મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

આતંકવાદીઓને શહિદ ગણાવે છે પાક. : યુનોમાં ભારતે ઝાટકણી કાઢી

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ સંયુકત રાષ્ટ્રમાં ઉઠાવ્યો જમ્મુ-કાશ્મીરનો મુદ્દો : ભારતે જડબાતોડ જવાબ આપી તેમની બોલતી બંધ કરી : પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે : ત્રાસવાદીઓને સતત છાવરે છે અને તેમને તાલિમ પણ આપે છે : ભારતે પાકિસ્તાનને વિશ્વસ્તરે ઉઘાડુ પાડયું

યુનો તા. ૨૨ : સંયુકત રાષ્ટ્રના ૭૫ વર્ષ પૂરા થવા પર આયોજીત ખાસ કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીને મોંઘું પડી ગયું. ભારતે પાકિસ્તાનને 'આતંકવાદનો ગઢ' અને 'ત્રાસવાદીઓને છાવરવા'નું ગણાવી તેની બોલતી બંધ કરી દીધી હતી. ભારતે કહ્યું હતું કે, પાકિસ્તાન એક એવો દેશ છે જે આતંક ફેલાવવા વાળાને ટ્રેનીંગ આપે છે અને તેમને શહીદનો દરજ્જો આપે છે.

યુનોમાં ફરી એક વખત ભારતે પાકિસ્તાનના છોતરા કાઢયા હતા. ભારતે પાકિસ્તાનને આતંકવાદ અને ફેલાવતા જૂઠાણાને લઇને આડે હાથ લીધું હતું. ભારતે પાકિસ્તાનને ભારે ભીંસમાં પણ લીધું હતું. ભારતે કહ્યું હતું કે, પાકિસ્તાનની ઓળખ આતંકવાદના એક કેન્દ્રના સ્વરૂપમાં છે. જેનું કામ ત્રાસવાદીઓને સાચવવાનું છે અને મરી જાય તો તેને શહીદનો દરજ્જો આપવાનું છે. પાકિસ્તાન હંમેશા ત્રાસવાદીઓને તાલીમ આપે છે એટલું જ નહિ તે પોતાને ત્યાં ધાર્મિક લઘુમતીને હેરાન પણ કરે છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરેશીએ પોતાના સંબોધનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તે પછી ભારતે જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરી યુનોમાં ભારતમાં સ્થાયી મીશનમાં પ્રથમ સચિવ વિદીશા મૈત્રાએ કહ્યું હતું કે, કુરેશીનું ભાષણ ભારતના આંતરીક મામલાઓને લઇને કદી સમાપ્ત ન થાય તેવી મનઘડત સ્ટોરી છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન દરેક પ્લેફોર્મનો ઉપયોગ ખોટા આરોપો માટે કરતું રહ્યું છે.

ભારતે કહ્યું હતું કે, પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરને લઇને ભ્રમ ફેલાવે છે. જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. પાકિસ્તાન એક એવો દેશ છે જે સમગ્ર વિશ્વમાં આતંકવાદના કેન્દ્ર તરીકે કુખ્યાત છે.

(10:26 am IST)