મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

ફેંસલાના ૧૪ વર્ષ બાદ પણ પોલીસ સુધારાનું સપનું અધૂરૃં

સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ નિર્દેશો છતાં રાજ્યો લાગુ કરી શકયા નથી

નવી દિલ્હી તા. ૨૨ : સુપ્રીમ કોર્ટના ફેસલામાં સ્પષ્ટ દિશા નિર્દેશોના ૧૪ વર્ષ બાદ પણ પોલીસ સુધારાઓને લાગુ કરવામાં આવ્યા નથી. સુપ્રીમ કોર્ટ તરફથી જારી ૭ નિર્દેશોમાંથી એકપણને તમામ રાજ્યોમાં અક્ષરશઃ લાગુ કરવામાં આવ્યા નથી. હવે સુપ્રીમના પૂર્વ મુખ્ય ન્યાયધીશ જસ્ટીસ આર.સી.લાહોટી અને વરિષ્ઠ વકીલ ફલી નરીમન સહિત દેશના પ્રબુધ્ધ લોકોએ પોલીસ સુધારાઓને અમલી બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે સુપ્રીમ કોર્ટને પણ અપીલ કરી છે.

પોલીસ સુધારા માટે સુપ્રીમ કોર્ટમાં લડાઇ લડનાર યુપીના પૂર્વ ડીજીપી પ્રકાશસિંહના જણાવ્યા પ્રમાણે લાંબી કાનૂની લડાઇ બાદ ૨૨ સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ સુપ્રીમ કોર્ટે પોલીસ સુધારાની જરૂરીયાત પર મહોર લગાવી અને રાજ્ય સરકારો તથા રાજકીય પક્ષોની આનાકાનીને જોઇ સાત સ્પષ્ટ નિર્દેશો જારી કર્યા. સુપ્રીમ કોર્ટને તે લાગુ કરવાની જવાબદારી પણ સંભાળી આનાથી દેશમાં પોલીસ સુધારાની આશાને બળ મળ્યું પરંતુ ૧૪ વર્ષમાં ધીમે ધીમે આ આશા પર પાણી ફરી વળ્યું.

કોર્ટે પોતાના ફેંસલામાં કહ્યું હતું કે રાજ્ય સરકારો તેને લાગુ કરવા માટે અધિનિયમ બનાવે પરંતુ ૨૯માંથી ૧૭ રાજ્યોએ અધિનિયમ બનાવ્યા પરંતુ તે સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવા નહિ પરંતુ તેની નજરથી બચવા માટે કર્યું હતું.

રાજ્યોએ અધિનિયમ બનાવી એક પ્રકારે પોલીસ તંત્રની જૂની પરંપરાને કાનૂની વાઘા પહેરવાનું કામ કર્યું.

(10:25 am IST)