મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

કોરોનાને કારણે સાઉદી અરેબિયાના ભારતીયો ભીખ માંગવા મજબૂર : મદદનો સરકારને પોકાર

વિવિધ રાજ્યોના ભારતીય કામદારોની હાલત કફોડી :અન્ય દેશની સરકાર તેના કામદારોને કરે છે મદદ

નવી દિલ્હી : કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં અર્થતંત્ર પર માઠી અસર પહોંચી છે ત્યારે  સાઉદી અરેબિયાના ભારતીયો સડક ઉપર આવીને ભીખ માંગવા મજબૂર થયા છે.

કોરોનાને કારણે આવેલી મંદીના કારણે ઘણા ભારતીય કામદારોની નોકરી જતી રહી છે અને તેમની વર્ક પરમીટ એક્સપાયર થવાની તૈયારીમાં છે. આથી તેઓ તે સ્થળે ફસાઈ ગયા છે. 450 ભારતીયો ભીખ માંગવાની સ્થિતિમાં આવી ગયા છે. આ કામદારોમાંથી મોટાભાગના તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કાશ્મીર, બિહાર, દિલ્હી, રાજસ્થાન, કર્ણાટક, હરિયાણા, પંજાબ અને મહારાષ્ટ્રથી આવ્યા છે.

એક વાયરલ વીડિયોમાં તેમણે કહ્યું કે સરકારે તેમને ભીખ માંગતા જોઈને તેમના ભાડાના રૂમમાં જઈને ઓળખ કરીને તેમને જેદ્દાહના ડિટેન્શન સેન્ટરમાં નાખી દીધા. 

કોરોના મહામારીને કારણે સાઉદીના અર્થતંત્રમાં કડાકો બોલી ગયો છે અને અહીંના વિદેશી કામદારો બેકાર થઇ ગયા છે. તેમને હવે કોઈ આશા રહી નથી અને તેઓ નોકરી વિના ભીખ માંગવા મજબૂર થઇ ગયા છે. હવે તેઓ ડિટેન્શન સેન્ટરમાં કેદ થઇ ગયા છે. 

અન્ય એક કામદારનું કહેવું છે કે છેલ્લા 4 મહિનાથી અમે ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ. અમે જોયું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા અને શ્રીલંકાની સરકારોએ તેમના કામદારોને મદદ કરી છે અને તેમને દેશ પાછા લઇ ગયા છે જયારે અમે અહીંયા ફસાયા છીએ. 

વાયરલ વીડિયોમાં ફસાયેલા કામદારોએ નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરને અને સાઉદી અરેબિયામાં ભારતના રાજદૂત આસૂફ સૈયદને મદદ કરવા અને પોતાના વતન પાછા લઇ જવા વિનંતી કરી છે. 

અહેવાલ પ્રમાણે 2.4 લાખ ભારતીયો ભારત પાછા ફરવા માટે રજીસ્ટર કરાવી ચુક્યા છે જેમાંથી ફક્ત 40,000 ભારતીયો પાછા ફરી શક્યા છે.

(12:00 am IST)