મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં તેના જવાબમાં બેધડક જણાવ્યું કે ડિજિટલ મીડિયા ઝેર ફેલાવવાની કામગીરી કરી રહ્યું છે

સુદર્શન ટીવી ચેનલના કેસમાં કેન્દ્ર સરકારે સોગંદનામાં માં કર્યો ઘટસ્ફોટ

નવી દિલ્હી : ટીવી અને અખબારો સહિત ડિજિટલ મીડિયા પર કંટ્રોલ મૂકવાં ના મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ રજૂ કરી સ્પષ્ટ કહ્યું હતું કે ડિજિટલ મીડિયા ઝેર ફેલાવે છે

સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામામાં સરકારે જણાવ્યું છે કે વેબ આધારિત ડિજિટલ મીડિયાનો નિયંત્રિત કરવુ પડશે. સરકારે જણાવ્યું છે કે ડિજિટલ મીડિયા  ઝેર ફેલાવે છે, તે ફક્ત હિંસા જ નહી પરંતુ આતંકવાદીને પણ પ્રોત્સાહન આપી રહ્યુ છે. વેબ આધારિત ડિજિટલ મીડિયાએ કેટલીય સંસ્થાઓની છબી ખરાબ કરી છે અને તે અત્યંત ખતરનાક છે.

ઇલેકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના નિયંત્રણનો નિર્ણય સંસદને કરવા દોઃ કેન્દ્ર

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી કે તે મુખ્યધારાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને નિયંત્રિત કરવા માટે કોઈ દિશાનિર્દેશ નક્કી ન કરે અને આ મુદ્દાને સંસદ માટે છોડી દે.

સુપ્રીમ કોર્ટે 15 ડિસેમ્બરના રોજ સુદર્શન ટીવીના શો યુપીએસસી જેહાદના (UPSC Jihad) પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને જણાવ્યું હતું કે ચેનલ તેમની ચિંતાઓનો જવાબ આપે. કોર્ટે જણાવ્યું હતું કે અમે કોઈ ચેનલને સમગ્ર મુસ્લિમ સમાજને લક્ષ્યાંક બનાવવાની છૂટ ન આપી શકીએ.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને કેએમ જોસેફની બેન્ચે આ મામલાની સુનાવણી કરી હતી. આ કેસની સાથે-સાથે ટીવી ન્યૂઝ ચેનલની માલિકી અને ટીવી પરની ચર્ચાની કેટલીય પદ્ધતિઓ પર આકરી ટિપ્પણી કરી હતી.

સુપ્રીમ કોર્ટે મીડિયા માટે માર્ગરેખા ખેંચી

સુદર્શન ટીવીના કાર્યક્રમ પર સુપ્રીમ કોર્ટના મનાઈહુકમે મીડિયા સંસ્થાઓ પાસે નવી માર્ગરેખા ખેંચી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નેજા હેઠળ મીડિયા કોઈના વિશે ગમે તેમ અને ગમે તે શબ્દોનો ઉપયોગ ન કરી શકે. તે બીજી કોઈ વ્યક્તિ કે સમાજની ગરિમા પર અસર ન પહોંચાડી શકે.

કોઈ અમુક ઘટનાક્રમ કે બનાવોને લઈને તે વ્યક્તિના કુટુંબ કે તેના સમગ્ર સમાજને તેના માટે મીડિયા દોષિત ઠેરવી ન શકે. આ સિવાય મીડિયા કોઈની સામે પણ મીડિયા ટ્રાયલ ન ચલાવી શકે. કોઈની સામે કેસ ચલાવવાની અને તેને યોગ્ય ન્યાય આપવાની જવાબદારી કોર્ટની છે. મીડિયા કોઈના માટે ન્યાયાધીશની ભૂમિકામાં ન બેસી શકે.

સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી આ ટિપ્પણી છેલ્લા કેટલાક વર્ષોમાં મીડિયા સામે કરવામાં આવેલી આકરામાં આકરી ટિપ્પણી છે. ઘણા લાંબા સમય પછી મીડિયા માટે કોઈએ સીમારેખા દોરી છે. આ રીતે સુપ્રીમે વ્યક્તિગત સ્વતંત્રતા અને વ્યક્તિના અધિકાર વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.

(12:00 am IST)