મુખ્ય સમાચાર
News of Sunday, 22nd September 2019

હનીટ્રેપ : સેક્સ વિડિયો બાદ મધ્યપ્રદેશમાં રાજકીય ભૂકંપ

ભાજપ અને કોંગ્રેસના એકબીજા ઉપર પ્રહારો : દેખાવડી મહિલાઓ પ્રભાવશાળી નેતાઓ-અધિકારીઓને ફસાવીને સેક્સ વિડિયો બનાવતી હતી : રેકેટનો પર્દાફાશ

નવીદિલ્હી,તા.૨૨ : મધ્યપ્રદેશમાં છેલ્લા બે દિવસના ગાળામાં હનીટ્રેપ ટોળકીનો પર્દાફાશ થયા બાદ રાજ્યમાં રાજનીતિ ગરમ થઇ ગઇ છે. કોંગ્રેસ પાર્ટીએ ભાજપ ઉપર રાજ્ય સરકારને અસ્થિર કરવાનો આક્ષેપ કર્યો છે. બીજી બાજુ ભાજપે પણ વળતા પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે, પોલીસ પર હનીટ્રેપના મામલામાં દબાણ લાવવામાં આવી રહ્યું છે. પોલીસના હાથમાં આવી ગયેલા હનીટ્રેપ ટોળકીના સભ્યો ઉપર રાજ્યના અનેક રાજનેતાઓ અને ટોપના સરકારી અધિકારીઓ સહિત અનેક પ્રભાવશાળી લોકોના સેક્સ વિડિયો બનાવીને તેમને ફસાવી લેવાની શંકા છે. મધ્યપ્રદેશ પોલીસે આ મામલામાં પાંચ મહિલાઓ સહિત છ લોકોની ઇન્દોર અને ભોપાલમાં ધરપકડ કરી લીધી છે.

              મામલાની તપાસ સાથે જોડાયેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે, આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા ઓડિયો વિજ્યુઅલ સામગ્રી અને તેમને પુછપરછના આધાર પર શંકા છે કે, આ ટોળકી છેલ્લા એક દશકમાં અનેક લોકોને ફસાવી ચુકી છે. એમ માનવામાં આવે છે કે, આ ટોળકીમાં સામેલ મહિલાઓ પ્રભાવશાળી લોકો અને નેતાઓને પોતાની જાળમાં ફસાવીને તેમની સાથે સેક્સ સંબંધો ઉભા કરવામાં આવતા હતા. તેમના વિડિયો પણ બનાવવામાં આવતા હતા. ત્યારબાદ બ્લેકમેઇલિંગની રમત શરૂ થતી હતી. મધ્યપ્રદેશના કાયદામંત્રી પીસી શર્માએ આક્ષેપ કરતા કહ્યું છે કે, ભાજપ રાજ્ય સરકારને અસ્થિર કરવાના કાવતરા ઘડી કાઢવામાં વ્યસ્ત છે. રાજ્ય સરકારના એક અન્ય મંત્રી ગોવિંદ સિંહે માંગ કરી છે કે, હનીટ્રેપ કેસમાં સામેલ તમામ લોકોના નામ જાહેર કરવામાં આવે તે જરૂરી છે. કેટલા પણ મોટા નેતાઓ હોય તો પણ તેમના નામ જાહેર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. હનીટ્રેપ મામલાથી રાજનીતિ ગરમી જામી છે.

 

(7:54 pm IST)