મુખ્ય સમાચાર
News of Saturday, 22nd September 2018

રાફેલની કિંમત જાણી રાહુલ પાકની સહાય કરવા ઇચ્છુક

ગાંધી પરિવાર ભ્રષ્ટાચારની જનની : રવિશંકરઃ રાહુલમાં પોતાના કોઇ ગુણ-ક્ષમતા નથી : માત્ર પરિવારના કારણે સક્રિય : રવિશંકર પ્રસાદના વળતા આકરા પ્રહારો

નવીદિલ્હી, તા. ૨૨: કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા રાફેલ ડિલ ઉપર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા બાદ આજે કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જવાબ આપ્યા હતા. રવિશંકર પ્રસાદે વડાપ્રધાન પર તેમની વાંધાજનક ટિપ્પણીને શરમજનક ગણાવી હતી. સાથે સાથે કોંગ્રેસના ગાળા દરમિયાન થયેલા કૌભાંડોની ફરી યાદ અપાવી હતી. રાફેલ ડિલ ઉપર ખુલાસો કરતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, વિમાનના સંદર્ભમાં જાણીને રાહુલ પાકિસ્તાનની મદદ કરવા ઇચ્છુક છે. રાહુલે ઇમાનદારીના પ્રતિક, પ્રમાણિક ગ્લોબલ લીડરને ચોર તરીકે ગણાવી રહ્યા છે. સ્વતંત્રતા બાદથી હજુ સુધી કોઇપણ પાર્ટીના લીડરે કોઇપણ વડાપ્રધાનને આ પ્રકારના શબ્દોનો ઉલ્લેખ કર્યો નથી. અમને રાહુલ પાસેથી આનાથી વિશેષ આશા પણ નથી. રાહુલમાં પોતાના કોઇ ગુણગાન અથવા ક્ષમતા દર્શાવવાની તક દેખાતી નથી. રાહુલ માત્ર પરિવારના કારણે જ છે. રાફેલ ડિલ ઉપર સફાઈ આપતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, મોદી સરકારે ભ્રષ્ટાચાર રોકી દીધો છે જેથી રાહુલને તકલીફ થઇ રહી છે. રાફેલ ડિલને અગાઉની સરકારે ૧૦ વર્ષ સુધી અટકાવી દીધી હતી ત્યારબાદ તેમાં ફરી તપાસ શરૂ થઇ હતી. કાયદામંત્રીએ કહ્યું હતું કે, આ તમામ બાબત લાંચ ન મળવાના કારણે થઇ હતી. હવે માત્ર ૩૬ રાફેલ એટલા માટે લેવામાં આવી રહ્યા છે કે બાકી ભારતમાં બનનાર છે. આના કારણે નોકરીની તકો ઉભી થશે. ડિસોલ્ટે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, બાકી વિમાનોને રિલાયન્સની જુદી જુદી કંપનીઓની સાથે બનાવવામાં આવશે. અરુણ જેટલી પહેલા જ કહી ચુક્યા છે કે, રાફેલ વિમાન યુપીએ સરકારની સમજૂતિથી નવ ટકા સસ્તા છે. હથિયારો લગાવીને આની કિંમત હાલમાં ૨૦ ટકા ઓછી છે.  રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, રિલાયન્સ અને ડિસોલ્ટ વચ્ચે સમજૂતિ મોદી સરકાર આવ્યાથી પહેલા થઇ હતી. પ્રસાદે કહ્યું હતું કે, રાહુલ પોતાની માતાની સાથે પોતે ભ્રષ્ટાચાર, જમીન, શેરની લૂંટ ચલાવી રહ્યા હતા. રવિશંકરે ગાંધી પરિવારને ભ્રષ્ટાચારની જનની તરીકે ગણાવીને કહ્યું હતું કે, તેમના સમય ગાળામાં કોલસા કૌભાંડ, ટુજી કૌભાંડ, આદર્શ કૌભાંડ થઇ ચુક્યા છે. તેમના મુખ્યમંત્રીઓને રાજીનામા પણ આપવા પડ્યા છે.

(7:33 pm IST)