મુખ્ય સમાચાર
News of Saturday, 22nd September 2018

સીબીઆઈમાં ચાલતી ઉચ્ચ કક્ષાની આંતરિક લડાઈ પરાકાષ્ટાએ

મારા હસ્તકની તપાસોમાં સીબીઆઈ વડા આલોક વર્મા બીનજરૂરી દખલગીરી કરી મારૂ સ્વમાન ભંગ કરે છેઃ રાકેશ આસ્થાનાઃ સીબીઆઈ વડા કહે છે કે, ફરીયાદો ખોટી અને દુર્ભાગ્યપૂર્ણ છેઃ ખાસ નિયામક આસ્થાનાની ફરીયાદ પર લક્ષ્ય ન આપવુ જોઈએઃ જોઈન્ટ ડાયરેકટરની ફરીયાદના પગલે સેન્ટ્રલ વિજીલન્સ કમિટીએ સીબીઆઈ પાસેથી ચોક્કસ ફાઈલો મંગાવતા ભારે ખળભળાટ

રાજકોટ, તા. ૨૨ :. કેન્દ્રમાં મોદી સરકાર આરૂઢ થયા બાદ સેન્ટ્રલમાં મહત્વના સ્થાનો પર ગુજરાત કેડરના આઈપીએસ અને આઈએએસ અધિકારીઓના વધતા જતા પ્રવાહના પગલે સીબીઆઈમાં ઉચ્ચ કક્ષાએ ચાલતી યાદવાસ્થળી હવે પરાકાષ્ટાએ પહોંચી હોય તેમ સીબીઆઈમાં જોઈન્ટ ડાયરેકટર તરીકે ફરજ બજાવતા મૂળ ગુજરાત કેડરના ૧૯૮૪ બેચના હાઈપ્રોફાઈલ અને બાહોશ અધિકારી તરીકેની છાપ ધરાવતા રાકેશ આસ્થાનાએ સેન્ટ્રલ વિજીલન્સ કમિટી (સીવીસી) સમક્ષ પોતાની જ એજન્સી એવી સીબીઆઈ અને તેના વડા આલોક વર્મા સામે ચોંકાવનારા આક્ષેપો કરવાના પગલે સીબીઆઈ પાસેથી ચોક્કસ ફાઈલો સીવીસીએ સીબીઆઈ પાસેથી મંગાવતા ખળભળાટ મચી ગયો છે.

લાંબા સમયથી ચાલતા વિવાદના પગલે રાકેશ આસ્થાનાએ સીબીઆઈ વડા આલોક વર્મા પોતાના હસ્તકની તપાસોમાં બીનજરૂરી દખલગીરી કરી પોતાનુ સ્વમાન ભંગ કરતા હોવાનો આરોપ મુકયો છે. બીજી તરફ આ આક્ષેપોને સીબીઆઈ વડા આલોક વર્માએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી આ આક્ષેપો પર ધ્યાન ન આપવા પણ જણાવ્યાનુ સૂત્રો જણાવે છે.

કેન્દ્ર દ્વારા ગુજરાતમાંથી જેમની ખાસ પસંદગી કરી સીબીઆઈમાં લઈ જવાયા છે તેવા રાકેશ આસ્થાનાની ફરીયાદના પગલે કેન્દ્ર ગૃહખાતાએ પણ રાકેશ આસ્થાનાની ફરીયાદના પગલે ફરીયાદની વિગતો સેન્ટ્રલ વિજીલન્સ કમિટીને તપાસની ભલામણ સાથે મોકલ્યાનું પણ ચર્ચાય રહ્યુ છે. સીવીસીએ ચોક્કસ પ્રકારની જે ફાઈલો મંગાવી છે તે વાતની સીબીઆઈના સૂત્રો સમર્થન આપી રહ્યા છે, સૂત્રોના કથન મુજબ હજુ બાકી ફાઈલો પણ સીવીસીની માંગણી મુજબ મોકલી દેવાશે તેમ જણાવ્યુ છે.

અત્રે યાદ રહે કે ગુજરાત કેડરના આઈપીએસ રાકેશ આસ્થાનાએ ભૂતકાળમાં પણ સીબીઆઈમાં બિહારના ધનબાદ ખાતે એસ.પી. તરીકે ફરજ બજાવવા સાથે ડીઆઈજી તરીકે પણ ફરજ બજાવી હતી. એ યુગમાં લાલુપ્રસાદ યાદવ સામે ચારા કૌભાંડમાં ગુન્હો દાખલ થશે તેવા પુરાવા હોવાનું પણ સર્વપ્રથમ તેઓએ જ જણાવેલ. સીબીઆઈના આવા બહોળા અનુભવી અધિકારી ફરી ખાસ નિયામક તરીકે સીબીઆઈમાં પહોંચ્યા બાદ વિવાદ વકરી રહ્યો છે. ચોક્કસ પ્રકારની બેઠકમાં રાકેશ આસ્થાનાએ આપેલી હાજરીને સીબીઆઈ વડાએ નિયમ વિરૂદ્ધ હોવાનું જણાવતા વિવાદમાં ભડકો થયાનું સૂત્રો માની રહ્યા છે. એ સમયે સીબીઆઈ વડાએ જે રીતે પોતાનો અભિપ્રાય આપ્યો તેનાથી આસ્થાના નાખુશ થયેલા. રાકેશ આસ્થાના ખોખારીને કહેતા હોય છે કે, તેમના હસ્તકની તપાસમાં સીબીઆઈ વડા બીનજરૂરી દખલગીરી કરી એમનુ સ્વમાન ઘવાય તેવુ વર્તન કરે છે. આમ સમગ્ર વિવાદ  સપાટી પર આવી ગયો છે.(૨-૨૦)

(3:23 pm IST)