મુખ્ય સમાચાર
News of Saturday, 22nd September 2018

H-4 વિઝા ધારકોની વર્ક પરમિટ રદ્દ કરશે US : ભારતીયો પર થશે સૌથી વધુ અસર

H-4 વિઝા હોલ્ડર્સની રદ્દ થશે વર્ક પરમીટ

વોશિંગ્ટન તા. ૨૨ : ટ્રંપ પ્રશાસને ફેડરલ કોર્ટને જણાવ્યું છે કે, તેમણે H-4 વિઝા હોલ્ડર્સની વર્ક પરમીટ રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયની સૌથી વધુ અસર અમેરિકન-ભારતીય મહિલાઓ પર પડશે કરાણકે ઓબામાના કાર્યકાળ દરમિયાન લાગૂ કરવામાં આવેલા આ નિયમ હેઠળ સૌથી વધુ ફાયદો મહિલાઓને થયો હતો. ટ્રંપ પ્રશાસન આગામી ૩ મહિનામાં H-4 વિઝાહોલ્ડર્સની વર્ક પરમિટ રદ કરવા માગે છે.

H-4 વિઝા યૂએસ સિટીઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ (USCIS) આપે છે. આ વિઝા H-1B વિઝા હોલ્ડર્સના નજીકના પરિવારજનો (પતિ-પત્ની અને ૨૧ વર્ષથી ઓછી ઉંમરના બાળકો)ને આપવામાં આવે છે. આ વિઝાની સૌથી વધુ ડિમાન્ડ ભારતીય આઈટી પ્રોફેશનલ્સમાં હોય છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિકયોરિટી (DHS)એ શુક્રવારે ડિસ્ટ્રિકટ ઓફ કોલંબિયાની યૂએસ ડિસ્ટ્રીકટ કોર્ટને જણાવ્યું કે, H-1B વિઝા હોલ્ડરના પરિજનોને H-4 વિઝા દ્વારા મળનારી વર્ક પરમીટને રદ કરવા જઈ રહ્યા છીએ અને આ દિશામાં કડક અને ઝડપી પગલાં ભરવામાં આવી રહ્યા છે.

DHSએ જણાવ્યું કે, 'નવા નિયમોને ૩ મહિનાની અંદર વ્હાઈટ હાઉસના બજેટ મેનેજમેન્ટમાં જમા કરાવી દેવાશે.' ડિપાર્ટમેન્ટે કોર્ટને દરમિયાન પ્રસ્તાવિત નિયમોને પડકારતી અરજી પર રોક લગાવવનો આગ્રહ રાખ્યો છે. બીજી તરફ અરજી દાખલ કરનારા ગ્રુપે કોર્ટને જલ્દી જ ફેંસલો સંભળાવવાનો આગ્રહ રાખ્યો છે.

અમેરિકાના વર્કરોના એક ગ્રુપનું પ્રતિનિધિત્વ કરતી 'સેવ જોબ્સ યૂએસએ' નામની સંસ્થાએ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં રજૂઆત કરાઈ છે કે, સરકારની આ નીતિઓના કારણે તેમની નોકરી પર અસર થશે. કેસ જેટલો લાંબો ચાલશે તેટલું વધારે નુકસાન અમેરિકી વર્કર્સને થશે.

ટ્રંપ એડમિનિસ્ટ્રેશન હાલ H-1B વિઝા પોલીસીની સમીક્ષા કરે છે. તેમને લાગે છે કે કંપનીઓ આ વિઝાનો દુરુપયોગ કરી અમેરિકી વર્કરના બદલે અન્ય લોકોને નોકરી આપી રહી છે.

H-4 વિઝા પર વર્ક પરમીટ આપવાનો નિયમ બરાક ઓબામા પ્રસાશને મે ૨૦૧૫માં લાગુ કર્યો હતો. ત્યારથી લઈને ૨૫ ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં વર્ક પરમીટ માટે H-4 વિઝા હોલ્ડર્સની ૧,૨૬,૮૫૩ એપ્લિકેશન્સને USCISએ મંજૂરી આપી છે. જેમાં ૯૦,૯૪૬ શરૂઆતની મંજૂરી, ૩૫,૨૧૯ રીન્યૂઅલ અને ૬૮૮ ખોવાયેલા કાર્ડ ફરી બનાવવાની એપ્લિકેશનનો સમાવેશ થાય છે.(૨૧.૨૫)

 

(3:22 pm IST)