મુખ્ય સમાચાર
News of Saturday, 22nd September 2018

સ્પેશિયલ કેસમાં ૩૦ સપ્તાહના ગર્ભના એબોર્શન માટે હાઇકોર્ટે આપી છૂટ

ગર્ભમાં રહેલા શીશુના મગજ અને કરોડરજ્જુનો વિકાસ નહોતો

મુંબઈ તા. ૨૨ : બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે ૩૩ વર્ષની એક મહિલાને તેના ૩૦ સપ્તાહના ગર્ભના એબોર્શન માટે મંજૂરી આપી હતી. મેડિકલ ઇતિહાસમાં ભાગ્યે જ આવા પ્રકારની મંજૂરી આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગર્ભાવસ્થામાં કેટલા મહિના સુધી એબોર્શન કરવું યોગ્ય ગણાય તે મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પણ ઘણા સમયથી સંશોધન શરુ છે. તેવા સમયે મુંબઈ હાઈકોર્ટે સ્પેશિયલ કેસ અંતર્ગત આ પ્રકારની છૂટ આપી હતી. આ કેસમાં મહિલાના મેડિકલ પરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું હતું કે ભ્રૂણના મગજ અને કરોડરજ્જુનો વિકાસ યોગ્ય થયો નથી જેના કારણે માતાના જીવ સામે જોખમ ઉભુ થવાની પણ શકયતા હતી.

આ કેસની વિગત જોતા એડિ. જસ્ટિસ અભય ઓક અને જસ્ટિસ એ.એસ. ગડકરીએ મહિલા દ્વારા કરવામાં આવેલ અરજીને ધ્યાને રાખીને નાસિકના એક પ્રાઇવેટ કિલનિકમાં એબોર્શનની મંજૂરી આપી દીધી છે. મહિલાને પહેલાથી જ એક પાંચ વર્ષનો બાળક છે જેને ડોઉન સિંડ્રોમ છે.. આ કારણે મહિલા અને તેના પતિએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને ગર્ભપાતની મંજરી માગી હતી. તેમણે કોર્ટને કહ્યું કે હાલ તેઓ પહેલાથી જ એક દિવ્યાંગ બાળકની દેખભાળ કરી રહ્યા છે અને તેવામાં જો આ કેસમાં પણ જાણીજોઈને તેમની ગર્ભાવસ્થાને આગળ વધવા દેવામાં આવશે તો ભવિષ્યમાં તેઓ વધુ શારીરિક અને માનસિક ભાવનાત્મક આઘાત અનુભવશે.

જેથી કોર્ટના નિર્દેશના આધારે સરકારી જે.જે. હોસ્પિટલના ડોકટર્સે પણ માતા અને ભ્રૂણ બંનેનું પરીક્ષણ કરી ગર્ભપાત માટે ભલામણ કરી હતી. જોકે સરકારે આ કેસમાં પોતાનો પક્ષ રાખીને ગર્ભપાત નાસિકના એક પ્રાઇવેટ કિલનિકમાં કરાવવાનો વિરોધ કર્યો હતો. સરકારનું કહેવું હતું કે કાયદાની રુએ આ પ્રકારના ગર્ભપાત સરકારી હોસ્પિટલમાં જ થવા જોઈએ. જેની દલીલમાં મહિલાના વકીલે કોર્ટને જણાવ્યું કે, આ કેસ ખૂબ ડેલિગેટ હોવાની સાથે નાસિકના ડોકટર મહિલની કેસ હિસ્ટ્રી જાણે છે. જેથી તેમને ખ્યાલ છે કઈ સ્થિતિમાં મહિલાનું ઓપરેશન વધુ સફળ રહેશે. જેના આધારે કોર્ટે નાસિકમાં ગર્ભપાતને મંજૂરી આપી દીધી હતી.

ગર્ભાપાત કાયદો એટલે કે MTP એકટ અંતર્ગત કોઈ એક ડોકટરની સલાહ પર ૧૨ સપ્તાહ સુધી ગર્ભપાત કરાવી શકાય છે. જયારે ૧૨-૨૦ સપ્તાહના ગર્ભ માટે બે ડોકટર્સની સલાહ લેવી ફરજીયાત છે. જયારે ૨૦ સપ્તાહથી મોટા ગર્ભના એબોર્શનની મંજૂરી કોર્ટ ત્યારે જ આપે છે જયારે ગર્ભાવસ્થાને આગળ વધારવાથી માતા અથવા શીશુના જીવનને મૃત્યુભય હોય.(૨૧.૧૦)

(11:57 am IST)