મુખ્ય સમાચાર
News of Saturday, 22nd September 2018

ઇરાક અને અફઘાનીસ્તાન બાદ

આતંકવાદથી ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે ભારત : US સ્ટડી

નવી દિલ્હી તા. ૨૨ : સતત બીજા વર્ષે આતંક પ્રભાવિત દેશોના લિસ્ટમાં ઈરાક અને અફઘાનિસ્તાન બાદ ભારત ત્રીજા નંબર પર આવ્યું છે. જયારે ઈસ્લામિક સ્ટેટ, તાલિબાન અને અલ-શબાબ પછી સીપીઆઈ-માઓવાદી ચોથો સૌથી ખતરનાક આતંકી સમૂહ માનવામાં આવ્યા છે. અમેરિકાના વિદેશ મંત્રાલય તરફથી ગુરુવારે જારી કરાયેલા આંકડામાં આ વાત સામે આવી છે.

૨૦૧૫માં પાકિસ્તાન આતંકવાદથી પ્રભાવિત ત્રીજો દેશ હતો. અમેરિકાના વિદેશ મંત્રાલય તરફથી આતંકવાદ અને તેના જવાબને લઈને કરાયેલી એક સ્ટડીમાં આ દાવો કરવામાં આવ્યો છે કે, જમ્મુ-કાશ્મીરથી ૨૦૧૭માં આતંકી હુમલાની સંખ્યામાં ૨૪ ટકાની વૃદ્ઘિ થઈ છે અને આ હુમલામાં મૃત્યું પામનારાઓની સંખ્યામાં ૮૯ ટકાનો વધારો થયો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૧૭માં થયેલા ૮૬૦ આતંકી હુમલામાં કુલ ૨૫ ટકા એકલા જમ્મુ-કાશ્મીરમાં થયા છે.

ભારતીય અધિકારીઓનું કહેવું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદને લઈને ઘણું અંતર છે. એક અધિકારીએ જણાવ્યું કે, અહીં ભારતમાં મોટાભાગે આતંકી ગતિવિધિને સમર્થન પાકિસ્તાનમાં મળે છે અને અહીં ષડયંત્ર રચવામાં આવે છે અને પાકિસ્તાની એજન્સી તથા સેનાનું તેમને સમર્થન મળે છે. જયારે પાકિસ્તાન એ આતંકી સંગઠનો સામે ઝઝમુ રહ્યું છે જેને દાયદાઓથી તેમનો સાથ મળી રહ્યો છે.

સીપીઆઈ-માઓવાદીને વિશ્વમાં ચોથા સૌથી ખતરનાક સંગઠન ગણાવીને અમેરિકાની સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં થયેલા ૫૩ ટકા હુમલામાં તેનો હાથ રહેલો છે. સ્ટડી મુજબ, જો સંખ્યાની વાત કરવામાં આવે તો ભારતમાં ૨૦૧૬ અને ૨૦૧૭ વચ્ચે માઓવાદી હુમલામાં ઘટાડો થયો છે. જોકે, મૃત્યુ પામનારની સંખ્યામાં ૧૬ ટકાની વૃદ્ઘિ થઈ છે અને ઘાયલોની સંખ્યામાં ૫૦ ટકાનો વધારો થયો છે. માઓવાદીઓએ ૨૯૫ હુમલા કરાવ્યા છે, જયારે અલ-શબાબે ૩૫૩, તાલિબાને ૭૦૩ અને ઈસ્લામિક સ્ટેટે ૮૫૭ હુમલા કરાવ્યા છે.(૨૧.૧૦)

(11:57 am IST)