મુખ્ય સમાચાર
News of Saturday, 22nd September 2018

સર્વેઃ ભાજપ તરફ ઢળે છે મુસ્લિમોઃ બે દાયકામાં લગભગ ૭૦ ટકા વધ્યો ટ્રેન્ડ

૫૬ ટકા મુસ્લિમ મહિલાઓ ભાજપ તરફીઃ મુડ ઓફ નેશનમાં ૧૦ ટકા મુસ્લિમોએ ભાજપને વોટ આપવાની વાત જણાવી

નવી દિલ્હી તા.૨૨: મુસ્લિમોને પારંપરિક  રીતે ભાજપની વોટબેંક માનવામાં આવતા નથી પણ પક્ષે હવે મુસ્લિમોને પોતાની તરફ ખેંચવાના પ્રયાસો વેગવંતા બનાવી દીધા છે. મામલો ભલે પીએમ મોદી બીજીવાર મસ્જીદમાં ગયા હોય કે પછી સંઘના વડા દ્વારા એવું કહેવું કે મુસ્લિમો વગર હિન્દુત્વ નથી, કે પછી ત્રણ તલાક અંગે સરકાર દ્વારા વટહુકમ લાવવાની બાબતો કેમ ન હોય. આ બાબતો દર્શાવે છે કે દેશના ૧૪ ટકા મુસ્લિમ મતદારોને આકર્ષવા માટે ભાજપ આકરા પ્રયાસો કરે છે.

નેશનલ ઇલેકશન સર્વે અને લોકનીતિ-સીએસડીએસના મુડ ઓફ નેશનના સર્વે મુજબ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે ૧૦માંથી એક મુસ્લિમે ભાજપને મત આપ્યો હતો. સોૈથી વધુ ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટકના મુસ્લિમોએ ભાજપને મત આપ્યા હતા. આ રાજયોમાં ૧૫ ટકાથી વધુ મુસ્લિમોએ ભાજપને મત આપ્યા હતા.

૧૯૯૮થી લઇને ૨૦૧૮ સુધી લોકસભાની ચૂંટણી બાદ થયેલા પોસ્ટ ખેલ સર્વે અને ૨૦૧૭-૧૮ના મુડ ઓફ નેશન સર્વે મુજબ આંધ્ર, તેલંગાણા, છતીસગઢ, ઝારખંડ, મ.પ્રદેશ, મહારાષ્ટ્ર અને યુપીમાં પ થી ૧૫ ટકા મુસ્લિમોએ ભાજપને મત આપવા કહયું હતું. જયારે આસામ, પ. બંગાળ, જમ્મુ-કાશ્મીર, બિહાર, કેરળમાં ભાજપ પ ટકા પણ મુસ્લિમોના મત મેળવી શકયું નથી.

સર્વે મુજબ ૧૯૯૮ની લોકસભાની ચૂંટણીમાં જયાં ૬ ટકા મુસ્લિમોએ ભાજપને મત આપ્યા હતા. તે વધીને ૨૦૧૮ના મુડ ઓફ નેશન સર્વેમાં ૧૦ ટકા થઇ ગયા છે. આ આંકડા મુસ્લિમોનો ટ્રેન્ડ દર્શાવે છે. સર્વેમાં ૨૦૦૯માં સોૈથી ઓછા માત્ર ૪ ટકા મુસ્લિમોએ જ ભાજપને વોટ આપવાની વાત કહી હતી. સર્વે મુજબ ૧૯૯૮થી ૨૦૧૮ વચ્ચે બે દાયકા દરમ્યાન મુસ્લિમોનો ટ્રેન્ડ ભાજપ તરફ લગભગ ૭૦ ટકા વધેલ છે.(૧.૪)

 

(2:12 pm IST)