મુખ્ય સમાચાર
News of Saturday, 22nd September 2018

પોલીસ કર્મી ત્રાસવાદીઓના સોફ્ટ ટાર્ગેટ બની ચુક્યા છે

ત્રણ પોલીસ કર્મીઓની હત્યા ડીજીપીનું નિવેદન : હાલ ત્રાસવાદી સંગઠનોમાં નિરાશા ફેલાઈ છે જેથી આવા કાયરતાપૂર્વકના હુમલા કરે છે : ડીજીપી દિલબાગ સિંહ

શ્રીનગર, તા. ૨૧ : જમ્મુ કાશ્મીરના સોપિયન જિલ્લામાં ત્રણ પોલીસ કર્મીઓના અપહરણ બાદ તેમની ઘાતકી હત્યા કરવામાં આવ્યા બાદ રાજ્યના ડીજીપી દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ત્રાસવાદી સંગઠન સુરક્ષા દળોની કાર્યવાહીના કારણે હચમચી ઉઠ્યા છે અને પોલીસ કર્મીઓને સોફ્ટ ટાર્ગેટ તરીકે ગણી રહ્યા છે. ડીજીપીએ આ હરકતની નિંદા કરીને કઠોર કાર્યવાહી માટે કહ્યું છે. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે કહ્યું છે કે, આ ખુબ જ કમનસીબ ઘટના છે. બે એસપીઓ અને એક પોલીસ કોન્સ્ટેબલને ગોળી મારી દેવામાં આવી છે. ત્રાસવાદી સંગઠનોમાં વ્યાપક નિરાશા પ્રવર્તી રહી છે. આ ત્રાસવાદીઓ તેમને સોફ્ટ ટાર્ગેટ ગણે છે. સોફ્ટ ટાર્ગેટના ભાગરુપે હુમલા કરવામાં આવી રહ્યા છે. ઘટના બાદ પોલીસ કર્મચારીઓના રાજીનામાના અહેવાલને પણ તેઓએ રદિયો આપ્યો છે. ડીજીપીએ કહ્યું છે કે, પોલીસ પ્રજા માટે કામ કરે છે. કોઇને ઇજા પહોંચાડવા માટે કામ કરતી નથી. આ સંદર્ભમાં અફવા ફેલાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, પોલીસ કર્મચારીઓ ગંભીરતાપૂર્વક ફરજ અદા કરી રહ્યા છે. એસપીઓ ખુબ સારી ફરજ અદા કરી રહ્યા છે. પોલીસ દળના મહત્વના હિસ્સા તરીકે છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યના સોપિયન જિલ્લાના એક બાગમાંથી શુક્રવારના દિવસે ત્રણ પોલીસ કર્મચારીઓના મૃતદેહ મળી આવ્યા હતા.

થોડાક કલાક પહેલા જ તેમના અપહરણ કરી લેવામાં આવ્યા હતા. તેમના ઘરમાંથી આ પોલીસ જવાનોના અપહરણ કરી લેવામાં આવ્યા હતા. બે પોલીસ કર્મીઓના વિડિયો ઉપર રાજીનામાના અહેવાલ પણ આવ્યા હતા. જો કે, આને રદિયો મળી ચુક્યો છે. આગામી દિવસોમાં પોલીસ જવાનો સામે ખુબ મોટા પડકાર રહેનાર છે. કારણ કે, પોલીસ કર્મચારીઓને વધુ ટાર્ગેટ બનાવવામાં આવી શકે છે.

(12:00 am IST)