મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

નીરવ મોદીની કસ્ટડી ૧૬મી સપ્ટેમ્બર સુધી વધી : રિપોર્ટ

કસ્ટડીને ૨૮ દિવસ માટે વધારી દેવામાં આવી :નીરવ મોદીની માર્ચ મહિનામાં અટકાયત કરવામાં આવી

નવી દિલ્હી, તા.૨૨ : પીએનબી કોંભાડમાં આરોપી તરીકે રહેલા અને હાલમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહેલા હિરા કારોબારી નીરવ મોદીની કસ્ટડી ૨૮ દિવસ માટે વધારી દેવામાં આવી છે. તેમણે ગુરુવારના દિવસે લંડનના વેસ્ટમિંસ્ટર કોર્ટમાં જજ ટૈન ઇકરામની સામે રજુ કરવામાં આવ્યા હતા. નીરવ મોદીની માર્ચ મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ જેલમાં છે. નીરવ મોદીને વિડિયો લીંક મારફતે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની કસ્ટડીને વધારી દેવાની માંગ કરવામાં આવી હતી.

     બ્રિટનમાં દર ચાર સપ્તાહ બાદ કસ્ટડીની અવધી વધારવા માટે આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવે છે. નીરવ મોદીની કસ્ટડીની અવધી ૧૯મી સપ્ટેમ્બર સુધી વધારી દેવામાં આવી છે. ભારત નીરવ મોદીને ભારત લાવવાના પ્રયાસમાં છે.નીરવ મોદી કોર્ટમાં જામીન મેળવવા માટે પ્રયાસ કરી ચુક્યા છે પરંતુ તેમની જામીન અરજી ચાર વખત અસ્વીકાર કરવામાં આવી ચુકી છે. નીરવ મોદીની છેલ્લા સુનાવણી પણ વિડિયો લીંક મારફતે કરવામાં જ આવી હતી. પહેલા એવો અંદાજ મુકવામાં આવ્યો હતો કે, કોર્ટ નીરવ મોદીના પ્રત્યર્પણની સુનાવણી માટે કોઈ કાર્યક્રમ નક્કી કરશે પરંતુ હજુ સુધી આવો કોઈ નિર્ણય લઈ શકાયો નથી. છેલ્લી સુનાવણીમાં મુખ્ય ન્યાયધીશ દ્વારા સંકેત આપવામાં આવ્યો હતો કે, બંને પક્ષ પ્રત્યર્પણની સુનાવણી માટે સહેમત થઈ શકે છે.

અત્રે નોંધનીય છે કે, નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી ૧૩ હજાર કરોડ રૂપિયાના પીએનબી છેતરપીડી મામલામાં આરોપી તરીકે છે. મેહુલ ચોકસી પણ ફરાર છે અને એન્ટીગુઆમાં રહે છે. ત્યાના વડાપ્રધાને ચોકસીની નાગરિકતાને રદ કરવાની વાત કરી હતી. નીરવ મોદીની મુશ્કેલી હાલમાં ઓછી થાય તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી. સાથે સાથે મેહુલ ચોકસી પણ સકંજામાં આવી શકે છે. 

(9:22 pm IST)