મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

રેલવેમાં સાતમા પગાર પંચ અનુસાર એક વર્ગમાં આવનાર તમામ કર્મચારીઓને સમાન વેતનનો લાભ મળશે

નવી દિલ્હી : 7th Pay Commission જો તમે કે તમારા પરિવારમાંથી કોઇ ભારતીય રેલવે કર્મચારી છે તો આપના માટે સારા સમાચાર છે. રેલવે કર્મચારીઓને ટૂંક સમયમાં સરકાર તરફથી મોટી ભેટ મળવાની છે. તમને જણાવીએ કે, રેલવે માં આગામી ટૂંક સમયમાં સાતમા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવશે. જેને પગલે રેલવે કર્મચારીઓના પગારમાં રહેલ તફાવત દૂર થઇ જશે અને કર્મચારીઓને સમાન વેતનનો લાભ મળતો થશે. વાસ્તવમાં છઠ્ઠા પગાર પંચ અનુસાર પગાર માળખામાં આવનાર એક વર્ગના બે અધિકારીઓના પગારનો તફાવત દૂર થઇ જશે.

એક વર્ગને સમાન વેતન

સાતમા પગાર પંચ અનુસાર એક વર્ગમાં આવનારા કર્મચારીઓને સમાન વેતનનો લાભ મળશે. એક વર્ગના બે કર્મચારીઓના પગારમાં રહેલ 3 ટકા કે એનાથી વધારાનું અંતર હવે ખતમ થશે. કર્મચારીઓનો પગાર સમાન થશે પરંતુ નિયમ એક વર્ગના અધિકારીઓને લાગુ પડશે.

કર્મચારીઓને રીતે મળશે ફાયદો

નવા નિયમ અંતર્ગત એક વર્ગના કર્મચારીઓનો પગાર હવે સમાન થશે. સમજવા માટે વાત કરીએ તો છઠ્ઠા વેતન આયોગ અંતર્ગત એક ક્લાસમાં એક કર્મચારીનો લઘુત્તમ પગાર 7210 રૂપિયા છે અને બીજાનો 7430 રૂપિયા છે. જો જુની ફોર્મ્યુલા અનુસાર પગાર ગણીએ તો સાતમા પગાર પંચમાં એકનો પગાર 18530 રૂપિયા અને બીજાનો 19095 રૂપિયા થાય. પરંતુ હવે બંને કર્મચારીઓનો પગાર સાતમા પગાર ધોરણમાં એક સરખો એટલે કે 19100 રૂપિયા મળશે. જેને બંચિંગ ફાયદો કહે છે. કર્મચારીઓને બંચિંગનો લાભ 1 જાન્યુઆરી 2019થી મળશે.

ગ્રેડ પે અનુસાર મળશે લાભ

6th CPC માં જે કર્મચારીઓનો પગાર 1800, 1900, 2000, 2400, 2800 અને 4200 ગ્રેડ પેની અંદર છે. એમને બંચિંગનો ફાયદો મળશે. જે માટે સત્વરે અરજી કરવાની રહેશે. વેસ્ટર્ન રેલવે કર્મચારી યૂનિયન ભાવનગર મંડળે તમામ રેલવે કર્મચારીઓને બંચિંગનો લાભ લેવા માટે સત્વરે ગ્રેડ પે અનુસાર અરજી કરવા માટે કહ્યું છે.

(5:48 pm IST)