મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

ઈમરાનના ભારત-મોદી વિરૂદ્ધ બળાપાઃ જંગના લવારા કાઢયા

કાશ્મીર મામલે ઈમરાનને સતત પેટમાં દુઃખે છે હવે વાતચીતના દરવાજા બંધ થયા હોવાના કર્યા દાવાઃ ભારતે તો પહેલેથી જ વાતચીત કરવાનો ઈન્કાર કરી દીધેલો છે : ન્યુયોર્ક ટાઈમ્સને આપેલી મુલાકાતમાં ભારત સાથે યુદ્ધ કરવાના અભરખા જાગ્યા હોવાનું જણાવ્યું: એકધારા આડેધડ નિવેદનો આપી રહ્યા છે પાક વડાપ્રધાન

નવી દિલ્હી, તા. ૨૨ :. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાયા બાદ પાકિસ્તાનને સતત પેટમાં દુઃખી રહ્યુ છે. હવે તેણે ભારત સાથે વાતચીતનો કોઈ ફાયદો નથી તેવા લવારા કરી ભારતને જંગની ધમકી આપી છે. ધ ન્યુયોર્ક ટાઈમ્સને આપેલી મુલાકાતમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યુ છે કે હું ભારત સાથે હવે વાતચીત ચાલુ રાખવા નથી માંગતો. ઈમરાન ખાને એવી ધમકી પણ આપી છે કે જો ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરી તો પાકિસ્તાન જવાબ દેવા માટે મજબુર બનશે. તેઓ સતત વિવાદભર્યા નિવેદનો કરી રહ્યા છે.

બળાપા કાઢતા કાઢતા તેમણે કહ્યુ છે કે હું હવે ભારત સાથે વાતચીતનો પ્રયાસ કરી કરી ઠાકી ગયો છું. સાથોસાથ તેમણે બે પરમાણુ શકિત સંપન્ન દેશો વચ્ચે યુદ્ધની આશંકાનો પણ ઈન્કાર નથી કર્યો. તેમણે ધમકી આપતા કહ્યુ છે કે જમ્મુ કાશ્મીર પર જો યુદ્ધ થયુ તો પાકિસ્તાન દરેક પગલા લેશે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે હું ભારત સાથે વાતચીત કરવા માગતો નથી. હવે વાતચીતનો કોઈ અર્થ નથી. મારો મતલબ છે મેં બધુ કર્યુ. દુર્ભાગ્યથી હવે જ્યારે હું પાછળ વળીને જોઉ છું તો શાંતિ અને સંવાદ માટે જે હું કરી રહ્યો હતો, મને લાગે છે કે તેઓએ આને તુષ્ટીકરણ માન્યુ.

ઈમરાન ખાને કહ્યુ હતુ કે ભારત પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહીને યોગ્ય ઠેરવવા માટે કાશ્મીરમાં ખોટુ અભિયાન શરૂ કરી શકે છે. મારી ચિંતા એ છે કે તે વધી શકે છે અને બે પરમાણુ સશસ્ત્ર દેશો માટે જ નહિ દુનિયા માટે ખતરનાક બનશે.

પઠાણકોટ હુમલા બાદ ભારતે કહી દીધુ હતુ કે પાકિસ્તાન જ્યાં સુધી ત્રાસવાદનો અંત નહિ લાવે ત્યાં સુધી વાતચીત નહિ કરીએ. ઈમરાન ખાને કહ્યુ છે કે પીએમ મોદી ફાંસીવાદી અને હિન્દુવાદી છે. તેઓ કાશ્મીરની મુસ્લિમ વસ્તીનો સફાયો કરી તેને હિન્દુ બહુમતીવાળો પ્રદેશ બનાવવા માગે છે. તેમણે કહ્યુ છે કે ભારત કાશ્મીરમાં નકલી ઓપરેશન પણ ચલાવી શકે છે જેનાથી પાકિસ્તાન વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહી માટે આધાર મળી શકે.

(3:58 pm IST)