મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

અમે ૭ હજાર કી.મી. દુરથી આવી અફઘાનીસ્તાનમાં લડીએ છીએઃ ભારત સહિતના દેશો સહયોગ દેતા નથીઃ ટ્રમ્પ

ભારતને ભેરવી દેવાના ધંધાઃ રશિયા-તૂર્કી-ઇરાન-પાકિસ્તાનને પણ ઝાટકયાઃ આઇએસઆઇએસ સામે લડવા આહ્રવાન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારના રોજ કહ્યું કે ભારતને અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટની વિરૂદ્ઘ 'લડાઇ'માં ઉતરવું જોઇએ. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતાં ટ્રમ્પે કહ્યું કે અફદ્યાનિસ્તાનમાં આતંકી સંગઠનો સામેની લડાઇમાં ભારત સહિત રૂસ, તુર્કી, ઇરાક અને પાકિસ્તાને પોતાની ભૂમિકા નિભાવાની જરૂર છે.

ટ્રમ્પે ફરિયાદના લહેકામાં કહ્યું કે ૭૦૦૦ માઇલના અંતરથી અમેરિકા અફદ્યાનિસ્તાનમાં આતંકીઓની વિરૂદ્ઘ ઓપરેશન કરી રહી છે જયારે બાકીના દેશો બિલકુલ પણ સહયોગ આપી રહ્યા નથી.

અફદ્યાનિસ્તાનમાં આતંકી સંગઠન આઇએસઆઇએસની વધતી સક્રિયતાના પ્રશ્ન પર ટ્રમ્પે કહ્યું કે ભારત ત્યાં હાજર છે પરંતુ લડી રહ્યું નથી, અમે લડી રહ્યા છીએ. પાકિસ્તાન પણ બરાબર દરવાજા પર છે. તે લડી તો રહ્યું છે પરંતુ તે ખૂબ જ ઓછી કોશિષો કરી રહ્યું છે. જયાં પણ આઇએસઆઇએસની હાજરી છે, કોઇને કોઇ સમયે એ દેશોને તેની સામે લડવું જ પડશે. ત્યારબાદ ટ્રમ્પે એ દેશોના નામ પણ ગણાવ્યા જેમાં રૂસ, તુર્કી, ઇરાક, અફઙાનિસ્તાન, પાકિસ્તાન, અને ભારતનો ઉલ્લેખ કર્યો.

અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે આ ઠીક નથી. અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકાને લઇ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની રણનીતિમાં આ મોટો બદલાવ છે. ટ્રમ્પની દક્ષિણ એશિયાની રણનીતિમાં ભારતની ભૂમિકા અફઘાનિસ્તાનમાં રચનાત્મક અને વિકાસ કાર્યોમાં નક્કી કરાઇ હતી. અફઘાનિસ્તાનમાં ભારત વિકાસ કામોમાં સતત પોતાનું યોગદાન પણ આપી રહ્યું છે. ભારતને ના તો આતંકવાદ નિરોધી અભિયાનોમાં ભાગ લેવા માટે કયારેય કહેવાયું છે અને ના તો ભારત ખુદ સૈન્ય ઓપરેશનોમાં સામેલ થવા માંગે છે. એવામાં ભારતમાંથી ટ્રમ્પની આ નવી આશા ચોંકાવનારી છે.

ઇરાક અને સીરિયામાં લગભગ પોતાની જમીન ગુમાવી ચૂકેલા આતંકી સંગઠન આઇએસઆઇએસ હવે અફઘાનિસ્તાનમાં પોતાની પકડ મજબૂત કરવામાં લાગ્યું છે. અફઘાનિસ્તાનમાં થોડાંક દિવસ પહેલાં જ એક આત્મઘાતી હુમલામાં ૬૩ લોકોના મોત થયા છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અફઘાનિસ્તાનમાં દાયકાથી ચાલતા યુદ્ઘમાંથી હવે અમેરિકાને બહાર કાઢવા માંગે છે. અમેરિકન સૈન્ય સપ્ટેમ્બર ૨૦૦૧થી જ અફઘાનિસ્તાનમાં હાજર રહ્યું છે અને હવે અંદાજે ૧૮ વર્ષ વીતાવ્યા બાદ અમેરિકા બીજા દેશો પાસે યોગદાનની અપીલ કરી રહ્યું છે.

ટ્રમ્પે આની એક દિવસ પહેલાં જ સંકેત આપ્યા હતા કે તેઓ અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્યની સંપૂર્ણ વાપસી કરશે નહીં પરંતુ ત્યાં તે 'કોઇની હાજરી ઇચ્છે છે જેથી કરીને તાલિબાન ફરીથી અફઘાનસ્તાન પર પોતાનું નિયંત્રણ કરી શકે નહીં. 

(1:13 pm IST)