મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

વડાપ્રધાન મોદી ફ્રાન્સ, યુએઇ અને બેહરીનની યાત્રા માટે રવાના

નવી દિલ્હી, તા.૨૨: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ફ્રાન્સ, અરબ અમીરાત અને બેહરીન એમ ત્રણ દેશોની યાત્રા માટે ગુરુવારે રવાના થયા છે. તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રોં સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે વ્યાપાર, રોકાણ, રક્ષા, સમુદ્રી રક્ષા, આતંકવાદનો ઉકેલ અને અસૈન્ય પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં સહયોગ કરવા અંગે ચર્ચા થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, પેરિસથી ૬૦ કિમી દૂર ઓઇઝમાં સ્થિત ૧૯મી સદીના શેટો ડી ચેંટિલીમાં મોદી માટે ડિનરની વ્યવસ્થા કરવામાં આવી છે. પોતાના પ્રવાસ દરમિયાન મોદી ફ્રાન્સમાં ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરશે. સાથે સાથે મોદી નીડ ડી એગલમાં એર ઇન્ડિયા ક્રેશમાં માર્યા ગયેલા ભારતીયોની યાદમાં સ્મારકનું ઉદઘાટન પણ કરશે.ભારતમાં ફ્રાન્સના રાજદૂત એલેકઝાન્ડર જીગલરે ટ્વીટ કર્યું હતું કે, મેક્રોં અને મોદી વચ્ચે દ્વિપક્ષીય શિખર સમ્મેલનને લઇને શેટો ડી ચેંટિલી સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ફ્રાન્સની સાંસ્કૃતિક વારસામાં પૈકીનું એક છે. વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ફ્રાન્સની દ્વીપક્ષીય યાત્રા દરમિયાન વિજ્ઞાન, જળવાયુ પરિવર્તન, ફાઈનાન્સિંગ, ગ્રીન ટેકનોલોજીમાં સહયોગ, ડિજિટલ અને સાઇબરસ્પેસ જેવા નવા ક્ષેત્રોમાં ભાગીદારી પર ભાર રહેશે.

(3:56 pm IST)