મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

રડતી દીકરીને લીધે ઊંઘ બગડતા પત્નિને આપ્યો ટ્રિપલ તલાક!

ઇંદોરૅં કેન્દ્ર સરકારે ત્રિપલ તલાકને ગેરકાયદે ઠેરવતો કાયદો અમલમાં મૂકયાને હજુ ગણતરીના જ દિવસ થયા છે, ત્યારે પોતાની એક વર્ષની રડતી દીકરીને લીધે ઊંઘ બગડતા પત્નિ સાથે થયેલા વિવાદ બાદ ૨૫ વર્ષના મુસ્લિમ પતિએ પોતાની પત્નિને એ જ વખતે ટ્રિપલ તલાક આપીને છૂટાછેડા આપી દીધા હોવાની વાત જાણવા મળી હતી. મધ્ય પ્રદેશના બરવાની જિલ્લાની ઉઝમા અંસારી (૨૧)એ પોતાના પતિ અકબર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ૪થી ઓગસ્ટે મારી દીકરીની તબિયત સારી નહોતી. રાતે ઉઠીને એ રડવા માંડી હતી અને એને કારણે મારા પતિની ઊંઘમાં ખલેલ પહોંચી હતી. એણે મને દિકરીને મારી નાખવાની વાત કર્યા બાદ અમારી વચ્ચે ઝઘડો થયો હતો. અમારી બોલાચાલી સાંભળીને મારા સસરા અને પતિનો ભાઇ અમારા રૂમમાં આવ્યા અને મને માર મારવા માંડયા. એમણે મારી દીકરીને પલંગ પરથી નીચે ફેંકી દીધી હતી. એમની હાજરીમાં મારા પતિએ મને ટ્રિપલ તલાક આપ્યા અને મારી માતાને ફોન કરીને અમને બંનેને લઇ જવા જણાવ્યું હતું. ત્યાર બાદ મને અને મારી દીકરીને એમણે ઘરની બહાર ફેંકી દીધા હતા. ઉઝમાએ એના પતિ અને સાસરિયા પર દહેજ માટે પ્રતાડવાનો આરોપ પણ મૂકયો હતો.

(10:27 am IST)