મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

કેરળ પુર : અસરગ્રસ્ત સામે અસ્તિત્વને લઇ ઘણા પડકાર

રોગચાળા, જીવજંતુ સામે બચવાનો ખતરો : અસરગ્રસ્ત વિસ્તારમાં મોટાપાયે સાફસફાઈ અભિયાન ઘણા વિસ્તારોની બહાર હજુ પણ છ ફૂટ સુધી પાણી છે

બર્મિગ્હામ,તા. ૨૨ : કેરળમાં વિનાશકારી પુર બાદ જનજીવનને સામાન્ય બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે અનેક પ્રકારના પડકારો પણ ઉભા થઇ ગયા છે. મોટાપાયે સ્વચ્છતા અને સાફસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. એકબાજુ સાફ સફાઈને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. બીજી બાજુ રોગચાળાનો ખતરો પણ વધી રહ્યો છે. સાર્વજનિક સ્થળો અને આવાસોના સાફસફાઈ ઉપર ધ્યાન અપાયું છે. જાહેર સ્થળો અને આવાસોને પુરના કારણે ભારે નુકસાન થયું હતું. લોકોને કેમ્પમાં રહેવાની ફરજ પડી રહી છે. ઘણા બધા વિસ્તારમાં હજુ પણ તેમના આવાસની અંદર અને આવાસની આસપાસ છ ફુટ પાણી ભરાયેલા છે. ઘણા બધા લોકોએ આધાર અને રેશનિંગ કાર્ડ ગુમાવી દીધા છે. ઘણા બાળકોએ તેમના સર્ટિ અને પુસ્તકો ગુમાવી દીધા છે. પુરના પાણીમાં ફ્રીઝ, ટીવી અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ચીજો સ્પષ્ટપણે નજરે પડે છે. પુરના પાણી ધીમે ધીમે ઉતરી રહ્યા છે ત્યારે રોગચાળાના ખતરાની સાથે સાથે સાપ અને અન્ય ઝેરી જીવજંતુનો ખતરો પણ વધી રહ્યો છે. ૩૦૦૦થી વધુ ટીમો સાફ સફાઈ ઓપરેશનમાં લાગી ગઈ છે.  કેરળમાં મુશ્કેલીમાં મુકાયેલા લોકો સામે અન્ય પડકારો પણ છે. બચાવ કાર્યકરો સામે પણ અનેક પડકારો છે જેમાં મોટી સંખ્યામાં ઝેરી સાંપ પણ સપાટી ઉપર આવ્યા છે. રાહત કેમ્પમાંથી પોતાના ઘરમાં પરત ફરી રહેલા લોકો સામે આ ખતરો તોળાઈ રહ્યો છે. કેરળમાં વિનાશકારી પુર બાદ હવે બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ભારત સરકારે કેરળના ફેરનિર્માણ માટેની જવાબદારી સંભાળી લીધી છે. રાજ્ય સરકારને પુરતી મદદ કરવામાં આવી રહી છે. જો કે કેરળના ફેરનિર્માણને પોતાની રીતે જ હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આના ભાગરૃપે કોઇ પણ પ્રકારની વિદેશી સહાય સ્વીકારવામાં આવનાર નહી. વિનમ્રતાપૂર્વક સહાયની ઓફર કરવા બદલ આભાર માનીને ઇન્કાર કરવામાં આવનાર છે. કેન્દ્ર સરકાર હવે સ્થાનિક સંશાધનોની મદદથી આગળ વધવા માટે ઇચ્છુક છે. સ્થાનિક પ્રયાસો દ્વારા જ ફેરનિર્માણ કરવામાં આવનાર છે. બીજી બાજુ રેલવે દ્વારા તમામ ટ્રેકને વ્યવસ્થિત કરી દેવામાં આવ્યા છે અને જનજીવન સામાન્ય બની ગયું છે. ટ્રેન સેવા ફરી શરૃ કરવાના પ્રયાસ થયા છે.

(7:34 pm IST)