મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

૨.૧૨ લાખ બાળક 'ગુમ'?

સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યકત કરી

નવી દિલ્હી તા. ૨૨ : બે સરકારી સંસ્થા દ્વારા તૈયાર કરાયેલા ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂશન્સમાંના બાળકોને લગતા અહેવાલોમાંના ૨.૧૨ લાખ બાળકના તફાવત અંગે સર્વોચ્ચ અદાલતે મંગળવારે ચિંતા વ્યકત કરી હતી.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના આદેશથી ૨૦૧૬-૨૦૧૭માં હાથ ધરાયેલા સર્વેક્ષણ મુજબ ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂશન્સમાંના બાળકોની સંખ્યા અંદાજે ૪.૭૩ લાખ હતી, જયારે સરકારે ચાલુ વર્ષના માર્ચમાં રજૂ કરેલા આંકડા મુજબ આ સંખ્યા આશરે ૨.૬૧ લાખ હતી એટલે બન્ને વચ્ચે ૨.૧૨ લાખનો તફાવત હતો.

ન્યાયમૂર્તિ મદન બી. લોકુરના નેતૃત્વ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે બન્ને અહેવાલમાં ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂશન્સમાંના બાળકોના આંકડામાં ૨.૧૨ લાખનો તફાવત છે. બેન્ચે કેન્દ્રને સવાલ કર્યો હતો કે દેશની ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂશન્સમાંના બાળકોની સંખ્યામાં બે લાખથી વધુનો ફરક કઇ રીતે આવી શકે?

ન્યાયમૂર્તિ એસ. અબ્દુલ નાઝીર અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાનો પણ સમાવેશ કરતી બેન્ચે જણાવ્યું હતું કે જો કાયદાનો યોગ્ય અમલ કરાય તો બાળકો સામેના અત્યાર કે શોષણના કિસ્સા બનતા અટકી શકે છે. ઉત્તર પ્રદેશના દેવડિયા અને બિહારના મુઝફફરપુરમાંના શેલ્ટર હોમમાં કિશોરીઓ અને મહિલાઓના જાતીય શોષણના બનાવ તાજેતરમાં પ્રકાશમાં આવ્યા હતા.

કેન્દ્રના વકીલે અદાલત પાસે સંબંધિત વધુ માહિતી મેળવવા માટે સમય માગ્યો હતો. બેન્ચે વધુ સુનાવણી ૨૮મી ઓગસ્ટ પર મુલતવી રાખી હતી.(૨૧.૭)

(10:35 am IST)