મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

ન્યુયોર્કમાં ભારત-પાક વિદેશમંત્રીઓ વચ્ચે બેઠકનો ગોઠવાતો તખ્તો

આવતા મહિને ન્યુયોર્કમાં યુનોના ૭૩માં સેશનનો પ્રારંભ થવાનો છેઃ સુષ્મા સ્વરાજ અને શાહ મહેમુદ કુરેશી ભાગ લેવાના છેઃ બન્ને વચ્ચે મીટીંગ યોજાય તેવી શકયતાઃ જો પાકિસ્તાન સરહદ પારથી ત્રાસવાદને પંપાળવાનું બંધ કરવાની ખાત્રી આપે તો ભારત ભાવિ વાટાઘાટો માટે તૈયાર થશે, એટલુ જ નહિં મોદી પણ સાર્ક સંમેલન માટે પાકિસ્તાન જઈ શકે છે

નવી દિલ્હી, તા. ૨૨ :. ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદનો બરફ પીગળે તેવા એંધાણ મળી રહ્યા છે. આવતા મહિને ન્યુયોર્કમાં યોજાનારી યુએનજીએની બેઠક દરમિયાન ભારત અને પાકિસ્તાનના વિદેશ પ્રધાનો સુષ્મા સ્વરાજ અને શાહ મહેમુદ કુરેશી વચ્ચે મીટીંગ યોજવામાં આવે તેવી શકયતા છે. અત્રે નોંધનીય છે કે, યુએનજીએની ૭૩મી બેઠક ૧૮મી સપ્ટેમ્બરના રોજ શરૂ થવાની છે અને તેમા બન્ને નેતાઓ હાજર રહે તેવી પુરેપુરી શકયતા છે.

રાજદ્વારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠક અંગે હજુ કોઈ સત્તાવાર દરખાસ્ત તૈયાર કરવામાં આવી નથી પરંતુ બન્ને પક્ષકારો એ બાબતે સમજે છે કે, સંપર્ક ફરી શરૂ થવો જોઈએ. તાજેતરમાં વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે ટેલીફોનીક અને પત્ર વ્યવહાર થયો હતો એ ઉલ્લેખનીય છે. જો કે ભારતે સત્તાવાર મંત્રણાનો ઈન્કાર કર્યો છે. ભારત દ્વિપક્ષીય વાટાઘાટો માટે પણ તૈયાર નથી. ભારત ઈચ્છે છે કે, પહેલા પાકિસ્તાને ત્રાસવાદ સામે લાલ આંખ કરવી જોઈએ.

તાજેતરમાં વડાપ્રધાન મોદીએ ઈમરાન ખાનને લખેલા પત્રમાં નક્કર અને અર્થપૂર્ણ મેળાપ થવો જોઈએ એ બાબત પર ભાર મુકયો હતો. મોદી સરકાર માટે યુએનજીએની બેઠક એક મહત્વનો પ્રસંગ બની રહે તેમ છે કારણ કે આ બેઠક દરમિયાન પાકિસ્તાની નવી સરકાર સાથે નવેસરથી સંપર્ક થઈ શકે તેમ છે અને આ તક સરકાર ચૂકવા માગતી નથી.

કોઈ નક્કર કે સત્તાવાર વાટાઘાટોની સંભાવનાઓ નથી પરંતુ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાકિસ્તાનના હાઈકમિશ્નર સોહિલ મહેમુદ અને ઈસ્લામાબાદ સ્થિત ભારતના હાઈકમિશ્નર અજય બિસારીયા સાથે સંપર્કમાં છે અને એવુ ઈચ્છી રહ્યા છે કે બન્ને દેશો વચ્ચે માનવીય આધારે સંપર્ક શરૂ થાય. અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં ભારત અને પાકિસ્તાને માછીમારો અને અન્ય કેદીઓને શુભેચ્છાથી છોડી મુકયા હતા.

પાકિસ્તાન ખાતેના ભૂતપૂર્વ ભારતીય હાઈકમિશ્નરના જણાવ્યા પ્રમાણે વાટાઘાટો પુનઃ શરૂ થાય તે જરૂરી છે. એક વખત તે શરૂ થાય તે પછી તમામ મુદ્દાઓનો ઉકેલ આવી શકે તેમ છે. અત્રે એ પણ નોંધનીય છે કે ઈમરાન ખાન મોદીને પાકિસ્તાનમાં યોજાનાર સાર્ક સંમેલન માટે પણ રાજી કરી લેશે. પાકિસ્તાન ઈચ્છે છે કે ભારત બહિષ્કાર પાછો ખેંચી લે. સુષ્મા સ્વરાજ જો ન્યુયોર્કમાં પાક વિદેશ મંત્રીને મળશે તો તેઓ એવી ખાત્રી મેળવશે કે સરહદ પારથી ત્રાસવાદને મળતી મદદ બંધ થવી જોઈએ. જો આવુ થશે તો મોદી પાકિસ્તાન જવા વિચાર કરશે.(૨-૩)

 

(10:31 am IST)