મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

કેરળનાં લોકો પુર્નવસન માટે સોનાના દાગીનાં કાંતો વેંચી રહયાં છે અથવા તો ગીરવે મુકી રહયાં છે

કંપનીઓ પાસે આવશે સોનાનો મોટો પ્રવાહ

કોચી તા.૨૨: રાજયમાં કુદરતી હોનારતનો ભોગ બનેલા કેરળના લોકો તેમના ઘરને ફરી બાંધવા માટે તથા ૧૦૦ વર્ષના સોૈથી ખરાબ પૂરના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેમના ઘરેણાં વેચી રહયા છે, અથવા તેને ગીરવે મુકી રહયા છે. સોના સામે ધિરાણ આપવાનો બિઝનેસ ધરાવતા મુથૂટ ફાઇનાન્સ તથા મણપ્પુરમ્ ફાઇનાન્સ અને રાજયના સ્થાનિક ઝવેરીઓ આગામી સપ્તાહ દરમિયાન ગ્રાહકોનો પ્રવાહ નોંધાવશે તેમ વ્યાપારી સુત્રો જણાવી રહયાં છે.

વલ્ડ ગોલ્ડ કાઉન્સિલને આંકડા ઉપલબ્ધ કરાવનાર મેટલ્સ ફોકસના સિનિયર કન્સલ્ટન્ટ ચિરાગ શેઠે જણાવ્યું હતું કે, પુરનાં પાણી ઓસરશે અને અસરગ્રસ્તો તેમને થયેલા નુકસાનનો તાગ મેળવશે પછી એવી સંભાવના છે કે કેરળ સ્થિત એનબીએફસિસ પાસે ગીરવી મુકવામાં આવતા સોનાનો મોટો પ્રવાહ આવશે.

પરંપરાગત રીતે કેરળના લોકો સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન લગ્નની સીઝન તથા  ૨૫ ઓગષ્ટે આવી રહેલા ઓનમના તહેવારના કારણે સોનાની ખરીદી કરતા હોય છે. કેરળમાં સોનાનાં આભૂષણો માટે ભારે આકર્ષણ પ્રવર્તે છે તેનો પુરાવો છે કે આ રાજય સોૈથી વધારે સોનાનો વપરાશ કરે છે.

ગ્રાહકોનું સોનું કંપનીના સ્ટ્રોંગ રૂમમાં સલામત છે ખરું તેમ પૂછવામાં આવ્યું ત્યારે મુથૂટ ફાઇનાન્સ એમડી જયોર્જ એલેકઝાન્ડર મુથૂટે ભારપુર્વક જણાવ્યંુ હતું કે, સોનાના કોઇ પણ આભૂષણને જરા પણ નુકસાન નહીં થાય. તેમણે ઉમેર્યુ હતું કે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં ત્રણ શાખામાં પાણી ઘૂસી ગયાં હતાં. બે શાખામાં પાણી સ્ટ્રોંગરૂમમાં ઘૂસ્યાં ન હતાં પરંતુ એક શાખામાં પાણી પ્રવેશ કરી શકયાં હતાં. જો કે, સોનાનાં કોઇપણ પાર્સલને કોઇ નુકસાન થયું ન હતું. ટિપ્પણી માટે મણપ્પુરમ્ ફાઇનાન્સના એમડી વીપી નંદકુમારનો સંપર્ક થઇ શકયો ન હતો.

કોચી સ્થિત એક જવેલર શાજી પોૈલે જણાવ્યું હતું કે, સોનાનાં આભૂષણો વેચવાનો ઉપાય સોૈથી છેલ્લો હોય છે. જોયાલ્લુકાસના એમડી જોયાલ્લુકાસે જણાવ્યું હતું કે, જરૂરિયાતમંદ લોકો પોતાનું સોનું વેચવા માટે સોનીઓનો સંપર્ક કરી રહયા છે જે સોનાના સ્ક્રેપના સપ્લાયમાં વધારો થઇ શકે.(૧.૪)

(10:28 am IST)