મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

મધ્યપ્રદેશમાં દુષ્‍કર્મ કેસમાં ચાર્જશીટ દાખલ કર્યાના દિવસે જ ૧૪ વર્ષના સગીર આરોપીને બે વર્ષની સજા સંભળાવીઃ જૂવેનાઇલ કોર્ટનો ઝડપી ચૂકાદો

ઉજ્જૈનઃ મધ્યપ્રદેશમાં રેપના એક કેસમાં અદાલતે ચાર્જશીટ દાખલ થયાના 24 કલાકમાં જ આરોપીને સજા સંભળાવીને એક ઉદાહરણ ઉભુ કર્યું છે. એક બાળકી સાથેના રેપ કેસમાં સગીર આરોપીને એક જૂવેનાઈલ કોર્ટે બે વર્ષની સજા સંભળાવી છે.

આ કેસની ખાસ વાત એ છે કે રેપના આ કેસમાં સોમવારના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને કોર્ટે તે જ દિવસે આરોપીને સજા સંભળાવી દીધી. રેપના કોઈ કેસમાં કદાચ આ પહેલો કેસ હશે જેમાં ટ્રાયલ અને સજા આટલા ઝડપથી સંભળાવવામાં આવ્યા હોય.

ઘાટિયા પોલીસ સ્ટેશનના એન.એસ.કનેશે જણાવ્યું કે, પીડિત બાળકીના પરિવારના લોકો સ્વાતંત્ર્ય દિવસના રોજ તેને પોતાના પાડોશમાં રહેતા 14 વર્ષના છોકરા સાથે રમવા માટે મુકીને કામ પર જતા રહ્યા હતા. 14 વર્ષના આરોપી છોકરાએ તે દરમિયાન દુષ્કર્મ આચર્યુ હતું.

ઉજ્જૈનના SP સચિન અતુલકરનું કહેવુ છે કે, રેપ પછી સગીર આરોપી ગામમાંથી ફરાર થઈ ગયો હતો. 16 ઓગસ્ટના રોજ તેની એક સંબંધીના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ઘણી ઝડપથી તપાસ આગળ વધારી. ચાર દિવસમાં ઉજ્જૈન પોલીસ તપાસ પૂરી કરી અને સોમવારના રોજ જજ તૃપ્તિ પાંડેની અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી. જજે ચાર્જશીટ દાખલ થયા પછી કલાકોમાં સજા સંભળાવી દીધી.

(12:00 am IST)