મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

યેદીયુરપ્પાની ખુરશી જશે એ નક્કી

૨૫મીએ હાઇકમાન્ડ જે નિર્ણય લેશે તે સ્વીકારીશઃ યેદીયુરપ્પા

બેંગલુરૂ, તા.૨૨: કર્ણાટકમાં ફરી એક વખત રાજકીય નાટક શરૂ થવાના સંકેત મળી રહ્યા છે. રાજયમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓ વચ્ચે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યુ કે ભાજપ હાઇકમાન તરફથી ૨૫ જુલાઇએ નિર્ણય લેવામાં આવશે, તેમણે કહ્યુ કે ભાજપ નેતૃત્વ તરફથી જે પણ નિર્ણય થશે, હું તેને માનવા માટે તૈયાર છું. બીએસ યેદિયુરપ્પાએ કહ્યુ, રાજયમાં ૨૬ જુલાઇએ અમારી સરકારના બે વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ પ્રસંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તે બાદ હું રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જે કહેશે, હું તેનું પાલન કરીશ. ભાજપને સત્ત્।ામાં પરત લાવવુ મારૂ કર્તવ્ય છે. હું તમામ પાર્ટી કાર્યકર્તાઓ અને પોતાના સહયોગી નેતાઓને અપીલ કરૂ છુ કે આ મિશનમાં મારો સાથ આપો.બીએસ યેદિયુરપ્પાના નિવેદનથી અટકળો લાગી રહી છે અને એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે ભાજપની સેન્ટ્રલ લીડરશિપ રાજયમાં નેતૃત્વ પરિવર્તનને લઇને વિચાર કરી રહી છે. છેલ્લા કેટલાક મહિનાથી કર્ણાટકમાં ધારાસભ્યોનું એક જૂથ અને યેદિયુરપ્પા વચ્ચે મતભેદના સમાચાર સામે આવ્યા હતા. કેટલાક નેતાઓએ દિલ્હી જઇને યેદિયુરપ્પાની ફરિયાદ સેન્ટ્રલ લીડરશિપને કરી હતી. યેદિયુરપ્પાના નિવેદનથી સ્પષ્ટ થઇ ગયુ કે કર્ણાટકમાં મોટુ રાજકીય ફેરબદલ થવા જઇ રહ્યુ છે. ભાજપના સૂત્રોનું કહેવુ છે કે યેદિયુરપ્પા સાથે નેતાઓના મતભેદ સિવાય તેમની ઉંમરને કારણે પણ નવી લીડરશિપ ઉભી કરવા પર વિચાર ચાલી રહ્યો છે.

મહત્વપૂર્ણ છે કે ભાજપ તરફથી ૭૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતા નેતાઓને સક્રિય રાજકારણમાંથી હટાવવાનો ફોર્મૂલા તૈયાર કરવામાં આવ્યો હતો. ૨૦૧૯ના લોકસભા ચૂંટણીમાં આ ફોર્મૂલાને કારણે કેટલાક નેતાઓને ટિકિટ પણ નહતી મળી પરંતુ જયારે યેદિયુરપ્પાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા તો સવાલ ઉભા થયા કે અંતે ૭૫ પ્લસ નેતાઓને સીએમ કેમ બનાવવામાં આવ્યા. એવામાં માનવામાં આવી રહ્યુ છે કે ઉંમરના ફેકટરને કારણે પણ કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન પર કેન્દ્રીય લીડરશિપ વિચાર કરી રહી છે.

(3:11 pm IST)