મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

સસ્તી આવાસ પરિયોજનાઓની માંગમાં ઘટાડો

આર્થિક દબાણ અને ઘટતી આવક છે કારણભૂત

નવી દિલ્હી,તા. ૨૨ : આર્થિક દબાણ અને ઘટતી આવકથી ઉત્પન્ન પ્રતિકૂળ પરિસ્થિતી વચ્ચે દેશનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર મોટા ફેરફારમાંથી પસાર થઇ રહ્યુ છે. વર્તમાન આર્થિક તંગી વચ્ચે દેશની વસ્તીનો એક મોટો ભાગ પોતાના ખર્ચમાં કાપ મુકી રહ્યો છે. જેની સીધી અસર સસ્તી આવાસ પરિયોજના બજાર પર દેખાઇ રહી છે. બજાર પર રિસર્ચ કરનારી કંપની એનરોક રિસર્ચના આંકડાઓ અનુસાર, દેશના સાત સૌથી મોટા શહેરોમાં શરૂ થયેલ નવી પરિયોજનાઓમાં સસ્તા આવાસ (૪૦ લાખ રૂપિયાથી ઓછા ભાવ વાળા મકાન)ની ભાગીદારી મહામારી પછી ઝડપથી ઘટી છે. ૨૦૨૦માં સસ્તા આવાસની હિસ્સેદારી ૪૦ ટકા હતી. જે એપ્રિલ -જૂન ૨૦૨૧માં ઘટીને ૨૦ ટકા થઇ ગઇ છે.

આ દરમ્યાન મોંઘા મકાનો (૮૦ લાખથી ૧.૫ કરોડ)ની માંગ અને તેની પરિયોજનાઓમાં આ વર્ગની ભાગીદારી ફકત ૧૫ ટકા રહેતી હતી. જે જૂન ૨૦૨૧ ત્રિમાસીકમાં વધીને ૩૬ ટકાએ પહોંચી ગઇ છે. નવી પરિયોજનાઓમાં મધ્યમ વર્ગ (૪૦ થી ૮૦ લાખ રૂપિયા વાળા મકાન) ની ભાગીદારી જૂનમાં ૩૨ ટકા થઇ ગઇ જે ૨૦૨૦માં ૪૦ ટકાએ પહોંચી ગઇ હતી.

ગૌર્સ ગ્રુપના ચેરમેન અને સીઇઓ મનોજ ગૌડનું કહેવુ છે કે વારંવાર લોકડાઉન અને નિર્માણ સામગ્રી મોંઘી થવાની પ્રતિકૂળ અસર સસ્તી આવાસીય પરિયોજના પર થઇ રહી છે અને હવે તેનો ધંધો ફાયદાકારક નથી રહ્યો. ગૌડે કહ્યું કે છેલ્લા એક વર્ષ દરમ્યાન પડતર કિંમત ૨૦ ટકા વધી ગઇ છે. આ વર્ષે પણ લોકડાઉન લાગવાથી પરિયોજનાઓ તૈયાર કરવામાં મોડુ થઇ રહ્યુ છે. અને પડતર વધી રહી છે. પણ રેરાએ પરિયોજના પુરી કરવાની સમયમર્યાદામાં કોઇ છૂટછાટ નથી આપી સસ્તી આવાસીય પરિયોજનાઓ તૈયાર કરતી કંપનીઓ બહુ ઓછા નફે ધંધો કરી રહી છે.

(11:59 am IST)