મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

બિલ જોઇ ગ્રાહક અવાચક બની ગયો

વીજ કંપનીએ ફટકાર્યું ૮૨૯ અબજનું બિલ

ખરેખરમાં લાઈટ બીલ માત્ર ૩૧૩૨ રૂપિયા જ હતું, ટોરેન્ટ અધિકારીએ ટેકનીકલ ભૂલ ગણાવી

આગ્રા,તા.૨૨: યૂપીના આગ્રામાં રહેતા સુરેન્દ્ર પ્રતાપે કયારેય સપનામાં પણ નહોતુ વિચાર્યું કે તેનું લાઈટ બીલ આટલું અધધ રૂપિયામાં હશે. તેના ઘરનું લાઈટ બીલ હજારો કે લાખોમાં નહીં પણ અબજો રૂપિયામાં હતુ. આ બીલ જોઈને સુરેન્દ્ર પ્રતાપના હૃદયના ધબકારા વધી ગયા. એ તો ઠીક પણ જે લોકોએ આ બીલ જોયું એમના પણ હોશ ઉડી ગયા. સુરેન્દ્ર પ્રતાપની પાસે ૮૨૯ અબજ રૂપિયાનું બીલ આવ્યું હતું.

દયાલબાગમાં એ-૭ સૌરભ એન્કલેવમાં રહેતા સુરેન્દ્ર પ્રતાપ પોતાના ઘરનું લાઈટ બીલ મોટાભાગે ઓનલાઈન ભરવાનો આગ્રહ રાખે છે. જુલાઈ મહિનાનું લાઈટ બીલ પણ તેઓ ઓનલાઈન ભરી રહ્યાં હતાં. લાઈટ બીલ માત્ર ૩,૧૩૨ રૂપિયા જ હતું, પરંતુ જેવું જ તેણે પેમેન્ટ માટે કલીક કર્યું તો તેની રકમ જોઈને તેના તો હોશ જ ઉડી ગયા. લાઈટ બીલની આ રકમ ૮૨૯,૮૨૯,૮૨૯,૮૨૯.૦૦ રૂપિયા હતી. પહેલાં તો સુરેન્દ્ર પ્રતાપને વિશ્વાસ ના બેસ્યો. તો તેણે બીજી વાર રકમ ચેક કરી. ત્યારે પણ આ જ રકમ દેખાઈ. આ જોઈને તે ખૂબ પરેશાન થઈ ગયા. સુરેન્દ્ર પ્રતાપને સમજાયું નહીં કે શું કરવું.

ટોરેન્ટ પાવર કંપનીના જનસંપર્ક અધિકારી ભુપેન્દ્ર સિંહને જયારે આ વાતનું ધ્યાન દોરવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે, ટેકનીકલ એરરના કારણે આવું બની શકે છે. તેઓનું કહેવું છે કે, પોર્ટલને ઓનલાઈન અપડેટ થવામાં સમય લાગે છે. જો ટોરેન્ટ પાવરની એપ્લીકેશન દ્વારા વીજળીનું બીલ ભરવામાં આવે તો ઓનલાઈન પેમેન્ટ થઈ જશે. તેઓએ કહ્યું કે, સુરેન્દ્ર પ્રતાપના ઘરનું લાઈટ બીલ માત્ર ૩૧૩૨ રૂપિયા જ છે.

ટોરેન્ટ પાવર કંપનીના ગ્રાહકોની મોટાભાગે વ્યાપક ફરિયાદો રહેતી હોય છે. એવા પણ આરોપ લગાવવામાં આવ્યા છે કે ગ્રાહકો પોતાની ફરિયાદો લઈને કંપનીની ઓફિસના ધરમધક્કા ખાઈ ચૂકયાં છે, પરંતુ તેમની સમસ્યાનું નિરાકરણ થતું નથી. કોઈને લાઈટનું કનેકશન નથી મળી રહ્યંુ તો કેટલાંક લોકોને નોટિસ આપ્યા વગર જ કનેકશન કાપી નાખવામાં આવે છે. વિજયનગરમાં રહેતા નમૃતા અવસ્થાની ફરિયાદ છે કે કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર જ તેમના ઘરનું લાઈટ કનેકશન કાપી દેવામાં આવ્યું હતું.

(10:31 am IST)