મુખ્ય સમાચાર
News of Monday, 22nd July 2019

ચંદ્રયાન-૨ લોંચ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તમામ લોકોને શુભેચ્છાઓ

૧૩૦ કરોડ ભારતીયોના દૃઢ નિશ્ચયનું પરિણામ : ચંદ્રયાન-૨ના લોંચિંગ વૈજ્ઞાનિકોની કુશળ તાકાતને દર્શાવે છે : ચંદ્રયાન-૨થી વિજ્ઞાન પ્રત્યે યુવાનોમાં ઉત્સાહ વધશે

નવી દિલ્હી, તા. ૨૨ : ચંદ્રયાન-૨ની સફળ લોન્ચિંગ ઉપર ઇસરોની સાથે સાથે દેશભરમાં જશ્નનો માહોલ છવાઈ ગયો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઇસરો અને ભારતીયોને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મોદીએ ચંદ્રયાન-૨ના ફાયદાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદીએ ટ્વિટની સાથે સાથે કેટલાક ફોટાઓ પણ શેયર કર્યા હતા જેમાં મોદી પોતે ઉભા થઇને લોન્ચિંગને જોરદારરીતે નિહાળી રહ્યા હતા. ફોટાઓ દર્શાવે છે કે, મોદીની મિશન ઉપર પૂર્ણ નજર હતી. મિશન માટે સામાન્ય ભારતીયોની જેમ જ મોદી ખુબ જ ઉત્સાહિત થયેલા હતા. ઇસરોની આ સફળતાનો ઉલ્લેખ રાજ્યસભા અને લોકસભામાં પણ કરવામાં આવ્યો હતો અને વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, પોતાના ગૌરવશાળી ઇતિહાસમાં ભારતે વધુ કેટલાક પળ જોડી દીધા છે. ચંદ્રયાન-૨ના લોન્ચિંગથી ભારતીય વૈજ્ઞાનિકોની તાકાત વિશ્વના દેશો જોઈ રહ્યા છે. ૧૩૦ કરોડ ભારતીયોના દૃઢ નિશ્ચિયને પણ ચંદ્રયાન-૨ દર્શાવે છે. મોદીએ બીજા ટ્વિટમાં કહ્યું છે કે, ચંદ્રયાન-૨ સંપૂર્ણપણે સ્વદેશી છે. ચંદ્રયાન-૨ની જે બાબતો ભારતીયોને વધારે ગૌરવ અનુભવ કરાવે છે તેમાં એક બાબત એ છે કે તેમાં આ સંપૂર્ણપણે સ્વદેશી છે. આની અંદર એક ઓર્બિટર, એક લેન્ડર અને એક રોવર છે જે ચંદ્રની સપાટીમાં સમીક્ષા કરીને આગળ વધશે. ભારતના મિશન મૂનની પ્રશંસા કરતા મોદીએ લખ્યું છે કે, ચંદ્રયાન-૨ મિશન અન્ય મિશન કરતા અલગ છે. કારણ કે, આ ચંદ્રના સાઉથ પોલવાળા હિસ્સામાં જશે. આ પહેલા કોઇપણ મૂન મિશનમાં કોઇ દેશ આ જગ્યા સુધી પહોંચ્યા નથી. મોદી માને છે કે, ચંદ્રયાન-૨ આવનાર દિવસોમાં યુવાઓમાં વિજ્ઞાન પ્રત્યે વધુ રોમાંચ સર્જશે. આનાથી સારી શોધ થશે. પ્રયોગોમાં નવીનતા આવશે. ચંદ્રયાન-૨થી ચંદ્ર અંગે વધુ માહિતી મળી શકશે.

(7:39 pm IST)