મુખ્ય સમાચાર
News of Monday, 22nd July 2019

વાહ ભૈ વાહ...મોંઘવારીમાં વધુ રાહત મળવાના એંધાણ

એશિયન વિકાસ બેંકનો દાવો... ૨૦૧૯-૨૦માં ભારતમાં મોંઘવારી ઘટીને ૪.૧૦ ટકા રહેશેઃ શાકભાજી, ફળ, દૂધ, દાળ, ઈંડા, મટન, માછલી જેવા ખાદ્યપદાર્થોના ભાવ વધુ ઘટશે

નવી દિલ્હી, તા. ૨૨ :. ભારતીય ગ્રાહકો માટે મોંઘવારીના મોર્ચે સારા સમાચાર છે. આગામી મહિનાઓમાં શાકભાજી, ફળ, દુધ, દાળ, ઈંડા, માંસ, માછલી જેવા ખાદ્ય પદાર્થોની કિંમતો ઘટી શકે છે. એશિયાઈ વિકાસ બેંક (એડીબી)એ પોતાના એક રિપોર્ટમાં આ માહિતી આપી છે.

એડીબીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે રૂપિયામાં મજબુતી તથા જીડીપીના પૂર્વાનુમાનમાં ઘટાડાના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતમાં મોંઘવારી ઘટીને ૪.૧૦ ટકા રહેશે. એડીબીએ કહ્યું કે ખાદ્ય મોંઘવારીમાં ઓછો વધારો, ઓકટોબર ૨૦૧૮ પછી રૂપિયાની મજબુતી અને જીડીપી વૃદ્ધિ દરમાં અનુમાનમાં ઘટાડાના કારણે ભારતની મોંઘવારીનું અનુમાન ૦.૨ ટકા ઘટાડીને ૨૦૧૯-૨૦ માટે ૪.૧૦ ટકા અને ૨૦૨૦-૨૧ માટે ૪.૪૦ ટકા કરાયુ છે. એડીબીએ પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે ક્રુડની કિંમતોમાં વધઘટ ચિંતાકારક છે. એડીબીએ જીડીપી વૃદ્ધિના દરનુ અનુમાન ૦.૨૦ ટકા ઘટાડીને સાત ટકા કર્યુ છે.

જથ્થાબંધ ભાવાંક આધારિત મોંઘવારી જૂનમાં ઘટીને છેલ્લા ૨૩ મહિનાના નીચલા સ્તરે ૨.૦૨ ટકા પર આવી ગઈ. શાકભાજી, પેટ્રોલીયમ અને વિજળીના સામાનની કિંમતોમાં ઘટાડાના કારણે મોંઘવારી દર સતત બીજા મહીને ઘટયો છે. જૂન ૨૦૧૮માં આ આંકડો ૫.૬૮ ટકા હતો. જૂનમાં છૂટક મોંઘવારી વધીને ૩.૧૮ ટકા થઈ હતી. તેમ છતા ફળોમાં મોંઘવારી દરમાં વધારો ઓછો જોવા મળ્યો હતો. એવું મનાઈ રહ્યુ છે કે, આગામી મહિનાઓમાં મોંઘવારી દરમાં હજુ પણ ઘટાડો ચાલુ રહેશે.

(10:30 am IST)