મુખ્ય સમાચાર
News of Monday, 22nd July 2019

કર્ણાટક કોકડુ : વિશ્વાસમત મુદ્દે સસ્પેન્સની સ્થિતિ જારી

સતત ત્રીજા દિવસે પણ ભારે દુવિધા દેખાઈ : બળવાખોર ધારાસભ્યો દ્વારા સુપ્રત કરાયેલા રાજીનામાના મુદ્દે અધ્યક્ષ દ્વારા નિર્ણય ન થતા વિવાદ મડાગાંઠ અકબંધ

નવી દિલ્હી,તા.૨૨ : કર્ણાટકમાં સતત ત્રીજા દિવસે મુખ્યમંત્રી કુમારસ્વામી દ્વારા રજૂ કરવામાં આવેલી વિશ્વાસ દરખાસ્ત ઉપર ચર્ચા રહી હતી. દરેક વ્યક્તિ હવે કર્ણાટકનું કોકડુ ઉકેલાય તેમ ઇચ્છે છે. કર્ણાટકના સ્પીકરે આજે કહ્યું હતું કે, તેમને બલિના બકરા બનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. કોંગ્રેસે ભારપૂર્વક કહ્યું છે કે, જ્યાં સુધી ગૃહને બળવાખોર ધારાસભ્યો દ્વારા સુપ્રત કરવામાં આવેલા રાજીનામા અંગે અધ્યક્ષ નિર્ણય કરશે નહીં ત્યાં સુધી મતદાન કરવામાં આવશે નહીં. કાર્યવાહી શરૂ થવાની સાથે જ સ્પીકર કેઆર રમેશે વારંવાર કહ્યું હતું કે, ારકાર સોમવાર સુધી વિશ્વાસ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે. ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ ફરીવાર વિલંબ થવાની શરૂઆત થઇ હતી. મુખ્યમંત્રી કુમારસ્વામીએ ગુરુવારના દિવસે વિશ્વાસ દરખાસ્ત રજૂ કરી હતી. આ વિશ્વાસ દરખાસ્તમાં કોંગ્રેસ-જેડીએસ સરકારના ભાવિનો ફેંસલો થનાર છે. ધારાસભ્યો સરકારને ગબડાવી દેવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ડિબેટ શુક્રવારે પણ જારી રહી હતી. બે વખત રાજ્યપાલની મહેતલને પણ ફગાવી દેવામાં આવી હતી. આજે પણ વારંવાર કાર્યવાહી મોકૂફ કરાઈ હતી. સોમવારે પણ પ્રક્રિયા પૂર્ણ કરવાની ઇચ્છા દર્શાવવામાં આવી હોવા છતાં સસ્પેન્સની સ્થિતિ બનેલી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું છે કે, સ્પીકરે નિર્ણય લેવો જોઇએ. અગાઉ સુપ્રીમ કોર્ટે કર્ણાટકના બે અપક્ષ ધારાસભ્યોની અરજી પર તરત સુનાવણી કરવાનો આજે સાફ ઇન્કાર કર્યો હતો. અપક્ષ ધારાસભ્યો આર શંકર અને એચ નાગેશે સુપ્રીમ કોર્ટમાં કરેલી પોતાની અરજીમાં કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ મત પર વહેલી તકે મતદાન કરાવવા માટેની માંગ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે આ અરજી પર આજે સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. બંને અપક્ષ ધારાસભ્યોની અરજી પર હવે મંગળવારના દિવસે સુનાવણી કરવામાં આવનાર છે. બંને ધારાસભ્યોએ એ વખતે અરજી દાખલ કરી હતી જ્યારે તેમની અરજીના એક દિવસ પહેલા જ કર્ણાટકના મુખ્યપ્રધાન કુમારસ્વામી  દ્વારા પણ અરજી કરવામાં આવી હતી. કુમારસ્વામીએ આક્ષેપ કરતા કહ્યુ હતુ કે રાજ્યપાલ વજુભાઇ વાળા વિધાનસભામાં બહુમતિ પરીક્ષણ પર જારી ચર્ચા વચ્ચે દરમિયાનગીરી કરી રહ્યા છે. શુક્રવારના દિવસે વજુભાઇ વાળાએ બહુમતિ પરીક્ષણની પ્રક્રિયાને વહેલી તકે પૂર્ણ કરવા માટે કહ્યુ હતુ. તમામ લોકો સારી રીતે જાણે છે કે કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનના ૧૫ ધારાસભ્યોના બળવા બાદથી કર્ણાટકમાં જોરદાર કટોકટી ઉભી થઇ ગઇ છે. સુપ્રીમે તમામ ધારાસભ્યોને રાહત આપી છે અને કહ્યુ છે કે તેમને વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવાની ફરજ પાડી શકાય નહી.

(9:12 pm IST)