મુખ્ય સમાચાર
News of Sunday, 22nd July 2018

ગાઝિયાબાદમાં ઇમારત તુટી પડી:૧નું મોત, અનેક ઘાયલ

મૃતકના પરિવારને બે લાખના વળતરની જાહેરાત:ઘાયલોને ૫૦ હજાર રૂપિયા આપવા સરકારની જાહેરાત

ગાઝિયાબાદ, તા.૨૨:ગ્રેટર નોઇડાના શાહબેરી ગામમાં બે ઇમારતો ધરાશાયી થવાની ઘટનાને લઇને હોબાળો હજુ શાંત થયો નથી ત્યારે ગાઝિયાબાદના મસુરીમાં વધુ એક ઇમારત ધરાશાયી થઇ ગઇ છે. નિર્માણ હેઠળની એક ઇમારત આજે ધરાશાયી થતાં એક વ્યક્તિના મોતના સમાચાર મળ્યા છે. અનેક લોકો કાટમાળ હેઠળ ફસાયા હોવાના અહેવાલ મળ્યા છે. પાંચ લોકોને હજુ સુધી બચાવી લેવામાં આવ્યા છે જેમાં બાળકોનો સમાવેશ થાય છે. સરકારે મૃતકના પરિવારને બે લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. ઘાયલોને ૫૦ હજાર રૂપિયા આપવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મામલામાં ગંભીરતાને ધ્યાનમાં લઇને તપાસના આદેશ કરી દીધા છે. કમિશનર સ્તરની તપાસ કરવામાં આવશે.

બિલ્ડર પ્રશંન્નજીત ગૌત્તમ નામના પ્લોટ માલિક સહિત છ લોકોની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. કેટલાક લોકો ફરાર છે. બીજી બાજુ ગાઝિયાબાદના સાંસદ અને વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ ઘટના સ્થળે પહોંચી ગયા છે. કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલી મહિલા ગીતાએ કહ્યું કે, પતિ અને આઠ વર્ષના બાળક સહિત તેનો પૂરો પરિવાર હજુ પણ કાટમાળમાં દબાયેલો છે. પાંચ દિવસ પહેલાં જ ગ્રેટર નોઇડાના શાહબેરીમાં બે ઈમારત ધરાશાયી થઈ હતી, જેમાં ૯ લોકોનાં મોત નિપજ્યાં હતા. ઈમારત ગાઝિયાબાદના ગોવિંદપુરમની પાસે આકાશનગરમાં પડી છે. ઘટના સ્થળે પોલીસ અને એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે. એનડીઆરએફના ડિજી સંજય કુમારે કહ્યું કે કાટમાળમાંથી ૫ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં છે. વરસાદના કારણે બચાવકાર્યમાં કોઈ અસર નહીં થાય. હાલમાં જ ઇમારતો ધરાશાયી થવાનો સિલસિલો જારી રહ્યો છે.

(9:19 pm IST)