મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

નેપાળના વડાપ્રધાનનો વિચિત્ર દાવો

ભારતમાં નથી થઈ યોગની ઉત્પત્તિઃ નેપાળમાં થઈ છે

જયારે યોગની શોધ થઈ ત્યારે ભારતની રચના પણ થઈ ન હતીઃ ભારત જેવો કોઈ દેશ નહતો

કાઠમાંડુ, તા.૨૨: દુનિયાભરમાં સોમવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી. આ વચ્ચે નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ દાવો કર્યો કે યોગની ઉત્પત્તિ ભારતમાં નહીં, પરંતુ પોતાના દેશ નેપાળમાં થઈ છે. ઓલીએ પોતાના વિવાદાસ્પદ દાવાનું પણ પુનરાવર્તન કર્યુ કે, ભગવાન રામનો જન્મ નેપાળમાં થયો હતો.

નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પોતાના સંબોધનમાં કહ્યુ, એક રાષ્ટ્રના રૂપમાં ભારતના અસ્તિત્વની પહેલા, નેપાળમાં યોગનો અભ્યાસ કરવામાં આવતો હતો અને કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે યોગની ઉત્પત્તિ ભારતમાં થઈ નથી. જયારે યોગની શોધ થઈ ત્યારે ભારતની રચના પણ થઈ નહતી. ભારત જેવો કોઈ દેશ નહતો કારણ કે નેપાળમાં યોગ ચલણમાં આવવા સમયે ઘણા સીમાંત રાજય હતા. તો યોગની ઉત્પત્તિ નેપાળ કે ઉત્તરાખંડની આસપાસ થઈ છે.

ઓલીએ કહ્યુ કે આપણે યોગની શોધ કરનાર ઋષિઓને કયારેય શ્રેય આપ્યો નહીં. આપણે હંમેશા આ કે તે પ્રોફેસર અને તેના યોગદાન વિશે વાત કરતા હતા. તેમણે કહ્યું, આપણે પોતાનો દાવો યોગ્ય રીતે રાખી શકયા નહીં. આપણે તેને વિશ્વભરમાં લઈ જઈ શકયા નહીં. ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષના સૌથી લાંબા દિવસ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ આપી તેને પ્રસિદ્ઘિ અપાવી. પછી તેને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી.

ઓલી આ પહેલા પણ વિવાદિત નિવેદન આપી ચુકયા છે. તેમણે ત્યારે એમ કહીને વિવાદ શરૂ કર્યો કે ભગવાન રામનો જન્મ ભારતના અયોધ્યા નહીં, પરંતુ નેપાળના ચિતવન જિલ્લામાં અયોધ્યાપુરી નામથી ઓળખાતા માડી ક્ષેત્રમાં થયો હતો. તેમણે ભગવાન રામ, માતા સીતા, લક્ષ્મણ અને અન્યના વિશાળ મંદિરોના નિર્માણનો આદેશ આપ્યો હતો અને તે પોતાના દાવા પર યથાવત છે. તેમણે કહ્યુ, અયોધ્યાપુરી નેપાળમાં છે. વાલ્મીકિ આશ્રમ પણ અયોધ્યાપુરીની પાસે નેપાળમાં છે. સીતા માતાનું નિધન દેવદ્યાટમાં થયું, જે નેપાળમાં અયોધ્યાપુરી અને વાલ્મીકિ આશ્રમની નજીક છે.

ઓલીએ તે પણ કહ્યું કે, નેપાળ પ્રસિદ્ઘ સંતો અને પતંજલિ, કપિલમુનિ, ચરક જેવા મહર્ષિયોની ભૂમિ છે. નેપાળી પ્રધાનમંત્રીએ દાવો કર્યો કે અન્ય ઘણા સંતનો જન્મ નેપાળમાં થયો, જેણે સદીઓથી આયુર્વેદનો અભ્યાસ અને શોધ કરી. તેમણે કહ્યું, હિમાલયી ઔષધીઓનો અભ્યાસ બનારસથી ન કરી શકાય. તેમણે દાવો કર્યો કે હિમાલયમાં વિભિન્ન પ્રકારની ઔષધીઓ પર શોધ બાદ તેને વારાણસી લઈ જવામાં આવી હતી.

ઓલીએ કહ્યુ, વિશ્વામિત્ર જેવા પ્રસિદ્ઘ સંતનો જન્મ નેપાળમાં થયો હતો, જેમણે આપણી ભૂમિમાં ઘણા મંત્રો વિકસિત કર્યા. તેમણે કહ્યું કે, આ તે ઋુષિ વિશ્વામિત્ર હતા, જેણે પ્રાચીન કાળમાં નેપાળમાં ભગવાન રામ અને લક્ષ્મણને વિભિન્ન પ્રકારનું શિક્ષણ આપ્યુ હતું. ઓલીએ ભાર આપીને કહ્યુ કે, આ બધા ઐતિહાસિક અને ધાર્મિક તથ્ય ઈતિહાસમાં વિકૃત કરવામાં આવ્યા છે, પરંતુ તેમાં સુધારો કરવાની જરૂર છે. આપણે નવો ઈતિહાસ ફરી લખવો પડશે. આપણે સાચુ બોલવામાં સંકોચ ન હોવો જોઈએ, કારણ કે આપણે તથ્યો અને ઈતિહાસને જાણીએ છીએ. ઈતિહાસ અને સભ્યતાને કોઈ તોડી-મરોડીને વિકૃત ન કરી શકે.

(10:17 am IST)