મુખ્ય સમાચાર
News of Monday, 21st June 2021

30મીએ યોજાનાર વૈશ્વિક સંમેલનમાં ભારત કો-વિન ડિજિટલ પ્લેટફોર્મની સફળતાની કહાની રજૂ કરશે

અનેક દેશોએ કોરોના રસીકરણ કાર્યક્રમના અમલીકરણ માટે કો-વિન ટેકનોલોજી વિશે શીખવા માટે રસ દાખવ્યો

નવી દિલ્હી :ભારત 20 થી વધુ દેશોને Co-Win ડિજિટલ પ્લેટફોર્મની સફળતાની કહાની રજૂ કરશે. દેશવ્યાપી કોવિડ -19 રસીકરણ કાર્યક્રમ આ પોર્ટલના માધ્યમથી ચાલી રહ્યો છે. આ દેશોએ તેમના દેશમાં રસીકરણ અભિયાન ચલાવવા માટે Co-Win પોર્ટલનો ઉપયોગ કરવામાં રસ દાખવ્યો છે.

30 જૂને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, વિદેશ મંત્રાલય અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળની સંયુક્ત પહેલથી Co-Win વૈશ્વિક સંમેલન ડિજિટલ માધ્યમ દ્વારા યોજવામાં આવશે, જેમાં અન્ય દેશોના પ્રતિનિધિઓ તથા આરોગ્ય અને ટેકનોલોજીના નિષ્ણાંતો ભાગ લેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ વિયેતનામ, પેરુ, મેક્સિકો, ઇરાક, ડોમિનિકન રિપબ્લિક, પનામા, યુક્રેન, નાઇજીરીયા, સંયુક્ત આરબ અમીરાત અને યુગાન્ડા જેવા દેશોએ કોરોના રસીકરણ કાર્યક્રમના અમલીકરણ માટે કો-વિન ટેકનોલોજી વિશે શીખવા માટે રસ દાખવ્યો છે.

કો-વિનના પ્રમુખ અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. આર.એસ. શર્માનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ઘણા દેશોએ કો-વિન પ્લેટફોર્મમાં રસ દાખવ્યો છે, જેનો ઉપયોગ વિશ્વના સૌથી મોટા કોવિડ રસીકરણ અભિયાન ચલાવવા માટે કરવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું કે, વૈશ્વિક સંમેલનમાં ભારત આ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સાર્વત્રિક રસીકરણ અંગેનો પોતાનો અનુભવ શેર કરશે. ભારતે કોવિડ રસીકરણની વ્યૂહરચના, અમલીકરણ, દેખરેખ અને મૂલ્યાંકન માટે કેન્દ્રીય આઇટી સિસ્ટમ તરીકે કો-વિન વિકસિત કર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, સંકટની આ ઘડીમાં, ઝડપ અને સરળ સંકલન સર્વોચ્ચ છે. અમારે યોગ્ય પ્રમાણમાં પરીક્ષણ કરી અને રસીકરણ કેન્દ્રોને રાહત આપી તેને સંતુલિત કરવાની જરૂર છે. તે કોઈ પણ દેશ માટે મુશ્કેલ છે, પરંતુ ભારતની વસ્તી અને વિવિધતાને જોતા આ પડકાર વધુ મુશ્કેલ બને છે.

(12:47 am IST)