મુખ્ય સમાચાર
News of Friday, 22nd June 2018

બે આંકમાં જીડીપી ગ્રોથને લઇ જવાની દિશામાં કામ જરૂરી છે

સરકારની સિદ્ધિઓ નરેન્દ્ર મોદીએ ફરી એકવાર ગણાવી : ફુગાવા, ખાતાકીય ખાધ જેવા માઇક્રો આર્થિક પરિબળોને સાવધાનીથી હાથ ધરાયા છે : નિકાસમાં ભારતનો હિસ્સો કમ સે કમ ૩.૪ ટકા હોવો જોઇએ

નવીદિલ્હી,તા. ૨૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  આજે પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રની ક્લબમાં સામેલ થવા માટે ડબલ ડિજિટ જીડીપી ગ્રોથની હાકલ કરી હતી. મોદીએ કહ્યું હતું કે, વિશ્વ વ્યાપારમાં ભારતની હિસ્સેદારી વધારવા માટે નક્કર પગલા લેવામાં આવે તે જરૂરી છે. મોદીએ કહ્યું હતું કે, વિશ્વ વેપારમાં ભારતની હિસ્સેદારી ૩.૪ ટકાથી વધુ વધીને નવા સ્તરે પહોંચે તેવી યોજના તૈયાર કરવામાં આવી રહી છે. વાણિજ્ય મંત્રાલયની નવી ઓફિસ સંકુલ વિન્જય ભવનની આધારશીલા મુક્યા બાદ પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ભારતમાં કારોબારની પ્રક્રિયાને સરળ બનાવવા માટે અનેક પગલા લીધા છે. સાથે સાથે ફુગાવા, ચાલુ ખાતાકીય ખાધ અને મર્યાદાની અંદર ફિસ્કલ ડેફિસિટ જેવા માઇક્રો આર્થિક પરિબળોને જાળવી રાખવા માટેના પણ પગલા લેવામાં આવ્યા છે. આ તમામ હકારાત્મક આર્થિક પરિબળોને ધ્યાનમાં લીધા બાદ કયા પગલા લેવાશે તેવી ચર્ચા વચ્ચે મોદીએ જીડીપી ગ્રોથને બે આંકડામાં લઇ જવાની વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૧૭-૧૮માં નાણાંકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથરેટ ૭.૭ ટકા રહ્યો હતો પરંતુ હવે ૭-૮ ટકાથી વધારે અને ટાર્ગેટને બે આંકડા સુધી લઇ જવાની યોજના છે. મોદીએ ઉમેર્યું હતું કે, આ સમયની જરૂરિયાત એ છે કે, બે આંકડાના ગ્રોથના સ્તર સુધી પહોંચવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વિશ્વ આજે ભારતની તરફ જોઈ રહ્યું છે. વિશ્વ માની રહ્યું છે કે, ભારત પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રમાં એન્ટ્રી કરી જશે. વડાપ્રધાને નિકાસને વધારવા માટેની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યોને આ પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બનવાના પ્રયાસ કરવા જોઇએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, વાણિજ્ય વિભાગે કુલ વૈશ્વિક નિકાસમાં ભારતની હિસ્સેદારીને હાલમાં ૧.૬ ટકાથી વધારીને કમ સે કમ ૩.૪ ટકા સુધી લઇ જવાની જરૂર છે. આવી જ રીતે આયાત ઉપર આત્મનિર્ભરતાને ઘટાડવા માટે સ્તાનિક મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનને વધારવાની પણ જરૂરિયાત દેખાઈ રહી છે. આ સંદર્ભમાં અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનો દાખલો આપી રહ્યા છીએ. વાણિજ્ય મંત્રાલય, વેપાર અને ઉદ્યોગોએ વૈશ્વિક વેપારમાં ભારતની હિસ્સેદારીને બે આંકડા સુધી પહોંચાડવા ડબલ ડિજિટ જીડીપી ગ્રોથના પડાકરને ઉપાડી લેવાની જરૂર છે. તેમની સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, દેશ હવે અટકાના, લટકાના અને ભટકાના જેવા રસ્તાથી દૂર થઇ ચુક્યું છે. આ પ્રકારની સંસ્કૃતિથી બહાર નિકળી ચુક્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, જીએસટી વ્યવસ્થા ગયા વર્ષે પહેલી જુલાઈથી અમલી કરવામાં આવી હતી. જીએસટીના કારણે ડઝનથી વધુ ઇનડાયરેક્ટ ટેક્સ દૂર થઇ ચુક્યા છે. આના કારણે કારોબાર કરવાની પ્રક્રિયા વધુ સરળ બની ગઈ છે. સાથે સાથે કરવેળાની જાળ પણ સતત વધી રહી છે. મોદીએ ઉમેર્યું હતું કે, ૫.૪ મિલિયન નવા કરદાતાઓ નવી વ્યવસ્થા હેઠળ નોંધણી કરાવી ચુક્યા છે. આની સાથે જ પરોક્ષ કર ચુકવાનાર લોકોની સંખ્યા વધીને એક કરોડથી ઉપર પહોંચી ચુકી છે. જીએસટી પહેલાના યુગમાં છ મિલિયન પરોક્ષ કરદાતાઓ હતા જેની સામે આજે એક કરોડનો આંકડો પહોંચ્યો છે. જીએસટી પહેલા આ આંકડો ૬૦ લાખનો હતો. મોદીએ કહ્યું હતું કે,  વિદેશી સીધા મૂડીરોકાણ અને વિદેશી હુંડિયામણ ભંડોળ પણ રેકોર્ડ ઉંચી સપાટીએ છે. મોદીએ આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, વિન્જય ભવન નિર્ધારિત સમય ગાળાની અંદર પૂર્ણ થઇ જશે. ન્યુ ઇન્ડિયાની ભાવના સાથે અમે આગળ વધી રહ્યા છે. જુની પરંપરામાંથી બહાર નિકળી ગયા છે. જુની પરંપરા હેઠળ બિલ્ડીંગ સહિત જુદા જુદા ક્ષેત્રોમાં પ્રોજેક્ટો અટવાઈ પડ્યા હતા. આ સંદર્ભમાં મોદીએ ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, ડોક્ટર આંબેડકર નેશનલ મેમોરિયલ, પ્રવાસી ભારતીય કેન્દ્ર અને સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન માટે નવી ઓફિસ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. મોદીએ ઉમેર્યું હતું કે, સરકારની કામગીરીના પરિણામ સ્વરુપે તમામ કામો ઝડપથી પૂર્ણ થઇ રહ્યા છે.

નરેન્દ્ર મોદીએ શું કહ્યું

*    ભારત પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રમાં ક્યારે પ્રવેશ કરશે તેના ઉપર દુનિયાના દેશોની નજર છે

*    વિશ્વ વેપારમાં ભારતની હિસ્સેદારી ૧.૬ ટકાથી વધીને કમ સે કમ ૩.૪ ટકા થવી જોઇએ

*    નિકાસને વધારવાની જરૂરિયાત છે અને આના માટે રાજ્યોએ સક્રિય ભાગીદારી દર્શાવી જોઇએ

*    સ્થાનિક મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનને વધારીને આયાત ઉપર આત્મનિર્ભરતા ઘટાડવી જોઇએ

*    ડબલ ડિજિટના જીડીપી ગ્રોથના પડકારને હાસલ કરી લેવાશે

*    જીએસટીને અમલી કરવામાં આવ્યા બાદ કારોબારની પ્રક્રિયા સરળ બની છે

*    કરવેરાની જાળને વધુ વિસ્તૃત કરવામાં મદદ મળી છે

*    ૫.૪ મિલિયન નવા કરદાતા નવી વ્યવસ્થા હેઠળ નોંધણી કરાવી ચુક્યા છે જેથી પરોક્ષ કરવેરાના લોકોની સંખ્યા એક કરોડ સુધી પહોંચી છે

*    જીએસટી પહેલાના યુગમાં પરોક્ષ કરદાતાઓની સંખ્યા ૬૦ લાખની હતી

*    વિદેશી સીધા મૂડીરોકાણ અને હુંડિયામણમાં વધારો થયો છે

(7:14 pm IST)