મુખ્ય સમાચાર
News of Friday, 22nd June 2018

કર્ણાટકમાં ફરી રાજકીય તોફાન?

જેડીએસ - કોંગ્રેસ વચ્ચે ચેરમેન પદને લઇને ટકરાવ

બેંગ્લોર તા. ૨૨ : કર્ણાટકમાં એચડી કુમારસ્વામીના નેતૃત્વમાં જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધનની સરકારને શપથ લીધા એક મહીનો પણ થયો નથી ત્યાં ફરી ગઠબંધનમાં સામેલ બંને પક્ષો વચ્ચે તકરાર થતી જોવા મળી છે. આ વખતે ચેરમેન પદને લઇને જેડીએસ અને કોંગ્રેસ વચ્ચે ટકરાવનો માહોલ બન્યો છે.

 

ગત મહીને રાજયમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં કોઇપણ પક્ષને બહુમતી મળી નહી અને બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપે સરકાર બનાવી પરંતુ બહુમત સાબિત ન કરી શકી, ત્યારબાદ જેડીએસને કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવી. જો કે એચડી કુમારસ્વામી સરકાર બન્યાને એક મહીનો પણ થયો નથી ત્યાં બંને વચ્ચે ફરી ટકરાવના સમાચાર મળી રહ્યાં છે.

જેડીએસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસે વિધાનસભામાં સ્પીકર પદ પહેલાથી જ લઇ લીધું છે અને હવે તેમની ઇચ્છા વિધાન પરીષદમાં ચેરમેન પદને પણ પ્રાપ્ત કરવાની ઇચ્છા છે. જો કે હજી સુધી આ મુદ્દે બંને પક્ષ વચ્ચે સમજૂતિ થઇ નથી. આ મુદ્દે બંને પક્ષ વચ્ચે વાતચીત ચાલી રહી છે. વિધાનસભાના ઉપરી સદનમાં ચેરમેનનું પદ ૨૧ જૂનથી ખાલી થઇ ગયું છે.

અત્યાર સુધી આ પદ ભાજપ પાસે હતું. ભાજપના શંકરમૂર્તિની નિવૃત્તિ બાદ કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે આ પદને લઇને ખેંચતાણ જોવા મળી રહી છે. જેડીએસ દ્વારા મળતા અહેવાલ મુજબ આ પદ તેમને મળવું જોઇએ જો કે આવી માગણી કોંગ્રેસ તરફથી પણ કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે બંને સહયોગી પક્ષે પોતાની દાવેદારી પણ રજૂ કરી દીધી છે. આ અગાઉ કુમારસ્વામીના શપથ ગ્રહણ અગાઉ મંત્રિમંડળને લઇને બંને પક્ષો વચ્ચે ખેચતાણ જોવા મળી હતી.

(3:54 pm IST)