મુખ્ય સમાચાર
News of Friday, 22nd June 2018

કાંદામાં ઝડપી તેજી : ચાર દિવસમાં ૫૦ ટકાનો ઉછાળો

નાશિકમાં કાંદાના ભાવ ૮૫૦ રૂપિયાથી વધીને ૧૩૦૦ રૂપિયા પર પહોંચ્યા

મુંબઇ તા. ૨૨ : કાંદામાં ઝડપી તેજી જોવા મળી રહી છે. વરસાદ ખેંચાતા અને વધુ પડતાં ભેજને કારણે મથકોએ કાંદાનો માલ બગડી રહ્યો હોવાથી છેલ્લા ચાર દિવસમાં ભાવમાં ૫૦ ટકાનો ઉછાળો આવ્યો છે. વેપારીઓના મતે ભાવમાં હજી પણ સુધારો થાય એવી સંભાવના છે.

નાશિકની લાસણગાંવ મંડીમાં કાંદાના ભાવ કિવન્ટલના ૫૦૦થી ૧૮૭૫ રૂપિયાના હતા, જ્યારે મોડલ ભાવ ૧૩૫૧ બોલાયા હતા. આ ભાવ ચાર દિવસ પહેલા ૪૦૦થી ૧૦૩૯ રૂપિયા અને મોડલ ભાવ ૮૫૧ રૂપિયા બોલાતા હતા. આમ ચાર દિવસમાં મોડલ ભાવ ૫૦ ટકા વધ્યા છે. સારી કવોલિટીની કાંદામાં તો કિવન્ટલે ૮૦૦ રૂપિયાથી પણ વધુનો વધારો થઇ ચૂકયો છે.

ગુજરાતમાં મહુવામાં કાંદાના ભાવ ૨૦ કિલોના ૯૦થી ૨૭૦ રૂપિયા બોલાઇ રહ્યા છે, જે ચાર દિવસ પહેલા ૭૦થી ૧૩૦ રૂપિયા સુધીના હતા. આમ ગુજરાતમાં પણ બજારો ઉંચકાયા છે.

ચાલુ વર્ષે કાંદામાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. છેલ્લા છ મહિનાથી કાંદાના ભાવ સરેરાશ નીચા જ ચાલી રહ્યા છે. સરકારને અનેક રજૂઆતો કરી હોવા છતાં સરકાર દ્વારા ખેડૂતોને કોઇ જ રાહતો આપવામાં ન આવતા ભાવ વધતા નહોતા. આવી સ્થિતિમાં હવે ખેડૂતોનો માલ પૂરો થઇ ગયો છે અને સ્ટોકમાં પડેલા માલમાં બગાડ શરૂ થતાં ભાવમાં સુધારો થયો છે. જે ખેડૂતોએ સ્ટોક કર્યો હશે તેમને હવે ફાયદો થાય એવી ધારણા છે.(૨૧.૧૬)

(3:49 pm IST)