મુખ્ય સમાચાર
News of Friday, 22nd June 2018

કાશ્મીર : ઓપરેશન શરૂ : ૪ ત્રાસવાદી ઠાર : ISIને તમાચો

'રમઝાન સીઝફાયર' બાદ ત્રાસવાદીઓ ઉપર પ્રથમ ઓપરેશન સફળ : નાલાયકો ISJKના હતા

નવી દિલ્હી તા. ૨૨ : જમ્મુ-કાશ્મીરના રમઝાન દરમિયાન લાગુ કરેલા સીઝફાયરની ખત્મ થતાં જ ઓપરેશન ઓલઆઉટ ફરી શરૂ થયું છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ થતી જોવા મળી હતી. વિસ્તારમાં અનેક કલાકો સુધી ચાલેલી મુઠભેડમાં ચાર ત્રાસવાદી માર્યા ગયા.

આ એન્કાઉન્ટર દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસના જવાન આશિક હુસૈન પણ શહીદ થયા છે. આ ઉપરાંત એક નાગરિકનું પણ મોત થયું છે. હજુ પણ નાગરિકની ઓળખ થઇ નથી. સુરક્ષાબળોને મોડી રાતે ત્રાસવાદીઓની છુપાયા હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ તેનો ઘેરાવો કરવામાં આવ્યો હતો.

એન્કાઉન્ટર બાદ કાશ્મીરના અનેક જિલ્લામાં ઇન્ટરનેટ સેવા સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે જે જગ્યાએ એ એન્કાઉન્ટર થયું ત્યાં અનેક માત્રામાં સ્થાનિક નાગરિક એકઠા થયા હતા. આ ઉપરાંત પુલવામામાં પણ શાળાના વિદ્યાર્થીઓએ સીઆરપીએફ અને પોલીસ પર પથ્થરમારો કર્યો.

જાણવા મળી રહ્યું છે કે, માર્યા ગયેલા આંતકીઓ કાશ્મીરના જ રહેનારા છે. એવામાં એ શંકા તેજ બની છે કે, ઇસ્લામિક સ્ટેટ જમ્મુ - કાશ્મીરમાં પગપેસારો કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.

શ્રીગુફારા મુઠભેડમાં ૪ ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા એ સુરક્ષાબળો માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ગયા વર્ષે નવેમ્બરમાં જમ્મુ-કાશ્મીરના જકુરામાં જ એક ત્રાસવાદી હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે જ લીધી હતી. આ હુમલામાં એક પોલીસ અધિકારી પણ શહીદ થયો હતો. ત્યારબાદ ઇસ્લામિક સ્ટેટ અંગે ભારતીય સુરક્ષા એજન્સી સતર્ક થઇ ગઇ હતી.

ઇસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ-કાશ્મીરને આઇએસઆઇએસનું સંગઠન જ માનવામાં આવે છે. આ સંગઠન ભારતમાં યુવાઓને ઇસ્લામના નામ પર ભડકાવીને તેને દેશવિરોધી ગતિવિધિઓમાં સામેલ કરે છે.

ઉલ્લેખનિય છે કે શ્રીગુફારામાં સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરાવો કર્યો છે. ખુફિયા સુચનાના આધાર પર સુરક્ષાદળોએ વિસ્તારમાં કાર્યવાહી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં પણ ત્રાસવાદીઓ વિરૂધ્ધ એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ ઓપરેશન વચ્ચે વિસ્તારમાં તણાવને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે.(૨૧.૨૪)

 

(3:44 pm IST)