મુખ્ય સમાચાર
News of Friday, 22nd June 2018

દબંગોએ પત્નીની સામે જ ૭૦ વર્ષના દલિત ખેડૂતને જીવતો બાળી મૂકયો

મધ્યપ્રદેશના પાટનગર ભોપાલ નજીક આવેલા બેરસિયા તહસીલના પરસોરિયા ઘાટખેડી ગામમાં એક દલિત ખેડૂતને જીવતો સળગાવીને હત્યા કરી નાખવાનો હિચકારો બનાવ બન્યો છેઃ દલિત ખેડૂતે ખેતી માટે પટ્ટા પર જમીન લીધી હતીઃ દબંગો આ જમીન પર ખેતી કરવા માંગતા હતા : વૃધ્ધ ખેડૂતે વિરોધ કર્યો તો તેને જીવતો સળગાવી દીધો

ભોપાલ તા. ૨૨ : મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલ નજીક આવેલા બેરસિયા તહસીલના પરસોરિયા ઘાટખેડી ગામમાં એક દલિત ખેડૂતને જીવતો સળગાવીને હત્યા કરી નાખવાનો હિચકારો બનાવ બન્યો છે. દબંગોએ પત્ની સામે જ આ દલિતને જીવતો ભૂંજી નાખ્યો. મૃતક ખેડૂતની ઉંમર ૭૦ વર્ષની હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ સમગ્ર ગામમાં તણાવનો માહોલ છે. ગામમાં શાંતિ બહાલી માટે ભારી સંખ્યામાં પોલીસકર્મીઓને તહેનાત કરાયા છે.

મૃતકની પત્નીના નિવેદનને ટાંકીને પોલીસે જણાવ્યું કે ૭૦ વર્ષના ખેડૂત કિશોરીલાલે ખેતી માટે પટ્ટા પર જમીન લીધી હતી. ગામડાના કેટલાક દબંગો તેના પટ્ટાની જમીન પર ખેતી કરવા માંગતા હતાં. પરંતુ દલિત ખેડૂત તે માટે તૈયાર નહતો. તેનું કહેવું હતું કે જો તે એ જમીન પર ખેતી નહીં કરે તો પછી પટ્ટાની રકમ કેવી રીતે ચૂકવશે. આ સાથે જ તેની સામે  પરિવારના ભરણપોષણનું સંકટ ઊભુ થશે.

ત્યારબાદ દબંગો ટ્રેકટર લઈને તેના પટ્ટાની જમીન પર ખેતી કરવા પહોંચી ગયાં. દલિત ખેડૂતો વિરોધ કર્યો તો તેમને પેટમાં તેલ રેડાયું. ગામડાના કેટલાક દબંગો દલિત ખેડૂતના ખેતરે પહોંચ્યા અને તેને પહેલા તો ખૂબ માર્યો. તે સમયે દલિતની પત્ની પણ ત્યાં હાજર હતી. તે દબંગોને પગે પડીને વિનવતી રહી પરંતુ દબંગોને જરાય દયા ન આવી. તેમણે કેરોસિન છાંટીને દલિત વૃદ્ઘ ખેડૂતને જીવતો બાળી મૂકયો.

વૃદ્ઘ ખેડૂતના શરીરમાં આગ સંપૂર્ણ પણે પ્રસરી ન ગઈ ત્યાં સુધી આ દબંગો ત્યાં જ ઊભા રહ્યાં. આખરે આસપાસના લોકોએ ત્યાં આવીને આગ બુઝાવી અને વૃદ્ઘને હોસ્પિટલ લઈ ગયાં. ડોકટરોએ જણાવ્યું કે વૃદ્ઘ ખેડૂતનું શરીર લગભગ ૯૦ ટકા દાઝી ગયું હતું. જેના કારણે તેનું મોત થયું.

દબંગોની આ હરકતથી વિસ્તારના તમામ દલિતો હોસ્પિટલ સામે ભેગા થઈ ગયાં અને આરોપીઓની ધરપકડની માગણી કરવા લાગ્યાં. હરકતમાં આવેલી પોલીસે આરોપી તીરન યાદવ, પ્રકાશ, બલવીર અને સંજૂ યાદવની ધરપકડ કરી લીધી છે. કહેવાય છે કે આ આરોપીઓ ગામમાંથી રફુચક્કર થવાની ફિરાકમાં હતાં પરંતુ દલિતોના વિરોધ વચ્ચે પોલીસે આખરે તેમની ધરપકડ કરી લીધી. પોલીસના જણાવ્યાં મુજબ તીરન યાદવ સ્થાનિક ભાજપ નેતા કહેવાય રહ્યો છે.(૨૧.૧૨)

 

(11:52 am IST)