મુખ્ય સમાચાર
News of Friday, 22nd June 2018

જૂનનાં પ્રથમ ૩ સપ્તાહમાં ૯ ટકા વરસાદી ઘટ

દક્ષિણ-પૂર્વના કેટલાક ભાગોને બાદ કરતા કયાંય વરસાદ નથી

નવી દિલ્હી, તા. ૨૨ :. દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આ વર્ષે નબળી શરૂઆત કરી છે અને ચાલુ ચોમાસાની સીઝનનાં પ્રથમ ત્રણ સપ્તાહમાં એવરેજ કરતાં ૯ ટકા ઓછો વરસાદ પડયો છે. મુંબઈ અને કર્ણાટકમાં લગભગ ૧૦ દિવસ અગાઉ વરસાદના આગમન પછી તેનુ જોર ઘટી ગયું છે. દક્ષિણના અમુક વિસ્તારને બાદ કરતા બાકી બધે પહેલી જૂનથી સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાના આંકડા પ્રમાણે છેલ્લા એક સપ્તાહમાં વરસાદ સાવ ઘટી ગયો છે અને સામાન્ય કરતા ૩૯ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. મધ્ય ભારતમાં ચોમાસુ અત્યાર સુધીમાં પહોંચી જવું જોઈતું હતુ પરંતુ ત્યાં ૭૦ ટકા જેટલી ઘટ છે.

હવામાન ખાતાના અધિકારીએ કહ્યુ કે ૧૩ જૂનથી ચોમાસાની પ્રગતિ અટકી ગઈ છે અને સકર્યુલેશનની પેટર્ન નબળી પડી છે.

જો કે તેમના માનવા પ્રમાણે રવિવાર સુધીમાં ચોમાસુ ફરી વેગ પકડશે. આસામના બાકીના ભાગો, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગ અને ઝારખંડ, બિહાર, મધ્યપ્રદેશ તથા ગુજરાતના અમુક ભાગોમાં ૨૩ થી ૨૫ જૂન વચ્ચે ચોમાસુ સક્રિય થવાની શકયતા છે તેમ હવામાન ખાતાએ બે સપ્તાહની આગાહીમાં જણાવ્યુ હતુ. દેશના બીજા ભાગોમાં એક સપ્તાહ પછી વધુ વરસાદની શકયતા છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે ચોમાસુ આગળ વધશે તો પાકને નુકશાન નહીં થાય. મોટા ભાગના અનાજ ઉગાડતા વિસ્તારોમાં ખેડૂતો ખરીફ પાકના વાવેતર માટે તૈયારી કરી રહ્યા છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ ૨૯ મે ના રોજ શિડયુલ કરતા ત્રણ દિવસ અગાઉ કેરળમાં આગમન કર્યુ હતું.

(11:15 am IST)