મુખ્ય સમાચાર
News of Friday, 22nd June 2018

પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા

ઓપેક દેશનો પેટ્રોલીયમ ઉત્પાદન વધારવાનો પ્રસ્તાવ : રોજના ૧૦ લાખ બેરલ વધારે ઉત્પન્ન કરવાનો સંકેત : આ નિર્ણય ભારત માટે મહત્વપૂર્ણ સાબીત થશે : આજે જાહેરાત થવાની સંભાવના

નવી દિલ્હી, તા. રર : ક્રુડ ઓઇલના ભાવ વધારાથી પરેશાન ભારત સહિતના એશિયાઇ દેશોને સસ્તુ ક્રુડ મળવાની આશા વધી ગઇ છે. ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકની વિયેનામા ચાલી રહેલી બેઠકમાં સાઉદી અરબે ક્રુડનું ઉત્પાદન રોજના ૧૦ લાખ બેરલ વધારવાનો પ્રસ્તાવ મૂકયો છે.

ક્રુડ ઉત્પાદન વધારવાનો વિરોધ કરી રહેલા ઇરાનનુ વલણ પણ હવે ઢીલીું પડી ગયું છે. આના લીધે આવતા દિવસોમાં પેટ્રોલ-ડીઝલમાં પણ રાહત મળશે. ઓપેકના નેતા સાઉદી અરબના ઉર્જા પ્રધાન ખાલીદઅલ ફાલીહે ગુરૂવારે કહ્યું કે ર૦૧૮ના બીજા છ માસીકમાં ક્રુડનો જથ્થામાં ઘટાડો થઇ શકે તેમ હોય બજારના દબાણથી બચવા ઓપેક દેશોએ ઉત્પાદન વધારવાની જરૂર છે.

ઓસ્ટ્રીયાની રાજધાની વિયેનામાં આવેલ ઓપેકના મુખ્યાલયમાં ફાલીહે કહ્યું કે ઉત્પાદન વધારવાનું આ લક્ષ્ય હાંસલ થઇ શકે તેમ છે. જોકે જાણકારોનું કહેવું છે. દસ લાખ બેરલનું ઉત્પાદન વધારવાની સહમતી સધાય તો પણ અમુક દેશ ઉત્પાદન વધારી શકે તેમ નથી એટલે ખરેખર તો રોજના ૬થી ૮ લાખ બેરલનો જ ઉત્પાદનમાં વધારો થશે.

દબાણની રણનીતિએ કામ કર્યું

ભારતે ચીન, દક્ષિણ કોરીયા અને જાપાન જેવા એસીયન સાથે મળીને ઓપેકને દબાણ આપ્યું હતું કે તે ક્રુડના ભાવમાં કૃત્રિમ ઉછાળો લાવવાનું બંધ કરે. ભારત અને ચીને અમેરિકાથી ક્રુડ ખરીદવાનું વધારી દીધું હતું, જેના લીધે ઓપેક દેશોમાં માર્કેટ ખોવાનો ભય પેદા થયો હતો.

હાલમાં ક્રુડનો ભાવ ૭ર ડોલર પ્રતિ બેરલ છે જે આ વર્ષે ૮૦ ડોલર સુધી પહોંચી ગયો હતો. ભારત માટે આ નિર્ણય મહત્વપૂર્ણ સાબીત થશે. કેમ કે ઉત્પાદન વધવાથી ક્રુડના ભાવ ઘટશે જેથી ભારતને રાહત મળશે. છેલ્લા એક વરસમાં ક્રુડનો ભાવ ૪૦ ટકાથી વધારે વધ્યો છે. જેના લીધે ભારતને વેપાર અને ચાલુ ખાતામાં ખોટ વધી છે આના કારણે મોંઘવારીમાં પણ ઉછાળો આવ્યો છે.

ઓપેક અને રશિયાએ ર૦૧૬માં ક્રુડના ભાવ ૩પ ડોલરે પહોંચી જતા ઉત્પાદનમાં ૩૦ ટકાનો કાપ મૂકયો હતો જેના લીધે તેના ભાવ ૮૦ ડોલર સુધી પહોંચી ગયા હતા.

આજે આ અંગેની જાહેરાત થવાની શકયતા છે. પેટ્રોલીયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન વિયેનામાં જ છે.

(11:14 am IST)