મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd May 2019

૨૨ વિરોધ પક્ષોને ચૂંટણી પંચની લપડાક

મતગણત્રીની પ્રક્રિયા નહિ બદલાય

નિર્ધારીત સમયે જ શરૂ થશે પ્રક્રિયા : વિરોધ પક્ષોની VVPAT-EVM મેળવણી પહેલા કરવાની માંગ પંચે ફગાવી : પંચ કહે છે કે વિપક્ષની માંગણી સ્વીકારીએ તો મતગણત્રી ૨ થી ૩ દિવસ ચાલે

નવી દિલ્હી તા. ૨૨ : લોકસભા ચૂંટણીની કાલે સવારથી થનારી મત ગણતરી નક્કી કરેલા નીતિ નિયમો મુજબ જ થશે. ચુંટણી પંચે વિપક્ષી દળોને ઝટકો આપીને વીવીપેટની કાપલીઓને ઇવીએમ સાથે સરખામણીની માંગને ફગાવી દીધી છે. ઇવીએમ - વીવીપેટ ના મુદ્દા પર ચૂંટણી પંચે તેમની મોટી બેઠક કરીને આ અંગે નિર્ણય કર્યો. આ બેઠકમાં પંચના સીનીયર અધિકારીઓની સાથે ચૂંટણી પોલિસ અધિકારી અશોક લવાસા પણ હાજર રહ્યા. સૂત્રોનું કહેવું છે કે, બેઠકમાં આ વાત પર પણ ચર્ચા થતી જોવા મળી જો પંચ વિપક્ષી દળોની માંગ સ્વીકારવા રાજી થાય છે તો મતગણત્રીમાં ૨-૩ દિવસનો સમય લાગી શકે છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા પહેલા ગઇકાલે કોંગ્રેસ, એસપી, ટીએમસી સહિત ૨૨ પક્ષોએ ચુંટણી પંચના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી કે ૨૩ મે એ મતગણત્રી શરૂ થયા પહેલા કોઇ ક્રમના પસંદ કરેલા પોલિંગ સ્ટેશનો પર વીવીપેટ કાપલીઓની તપાસ કરવામાં આવે. બીજી બાજુ ચૂંટણી પંચે નિવેદન આપીને સ્ટ્રોંગ રૂમમાં રાખેલા ઇવીએમની સુરક્ષા અંગે વ્યકત કરવામાં આવેલી તમામ આશંકાઓને ફગાવી દીધી છે.

વિપક્ષી દળોની માંગ છે કે, જો કોઇ એક બૂથ પર પણ વીવીપેટ કાપલીઓની સરખામણી યોગ્ય રીતે કરવામાં ન આવી તો સંબંધિત વિધાનસભા ક્ષેત્રોમાં પણ દરેક મતદાન કેન્દ્રોની વીવીપેટ કાપલીઓની ગણત્રી કરવામાં આવે અને તેની ઇવીએમ પરિણામ સાથે મેચિંગ કરવામાં આવે.

(3:34 pm IST)