મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd May 2019

મોદી સરકાર ઇન્ફ્રાસ્ટ્રકચર પર ૧૦૦ લાખ કરોડ તો ખેતી - ગામો પર ૨૫ લાખ કરોડ ખર્ચશે

જો NDA ફરી સત્તા ઉપર આવશે તો વડાપ્રધાન મોદીને ૩૮ પક્ષોનું સમર્થન : નેતૃત્વમાં વ્યકત કરાયો વિશ્વાસ

નવી દિલ્હી તા. ૨૨ : ચૂંટણી પરિણામો પૂર્વે ગઇકાલે ભાજપ દ્વારા આયોજિત એનડીએની ડિનર બેઠકમાં ૩૬ સાથી પક્ષોના નેતા સામેલ થયા. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રાજનાથ સિંહે જણાવ્યું કે, ૩ સહયોગી પક્ષો આ ડિનરમાં ન પહોંચી શકયા તો તેમણે લેખિતમાં પોતાનું સમર્થન આપ્યું છે. ખાસ વાત એ છે કે, એનડીએની મીટિંગ અને ડિનર ડિપ્લોમસી બાદ એક પ્રસ્તાવ પસાર કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના નેતા ચૂંટવાની વાત કહેવા ઉપરાંત તેમના નેતૃત્વની પણ પ્રશંસા કરવામાં આવી. બધા પક્ષોએ પીએમ મોદી પ્રત્યે પોતાનો વિશ્વાસ વ્યકત કર્યો.

રાજનાથ સિંહે જણાવ્યું કે, એનડીએની બેઠકમાં રામવિલાસ પાસવાન દ્વારા પ્રસ્તાવ રજૂ કરાયો, જેને સર્વસંમત્તિથી પસાર કરવામાં આવ્યો. તેમાં કહેવાયું કે, એનડીએ સાચા અર્થોમાં ભારતના સપનાઓ અને આકાંક્ષાઓનું અલાયન્સ છે. પ્રસ્તાવમાં પીએમ અને તેમના મંત્રીઓને ઉલ્લેખનીય કાર્યો માટે અભિનંદન અપાયા છે. સાથે જ ભારતને વધુ શકિતશાળી બનાવવા માટે સરકારના કાર્યોની પ્રશંસા કરવામાં આવી.

ગૃહમંત્રીએ જણાવ્યું કે, પીએમ અને બીજા નેતાઓએ ઈવીએમ પર ઉઠાવાયેલા સવાલોને લઈને ચિંતા વ્યકત કરી. બેઠક વિશે જાણકારી આપતા રાજનાથે જણાવ્યું કે, એનડીએએ સંકલ્પ લીધો છે કે, આવનારા વર્ષોમાં અમે પ્રગતિની ગતિને વધુ આગળ લઈ જઈશું અને ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ૧૦૦ લાખ કરોડનું રોકાણ કરીશું. ગૃહમંત્રીએ કહ્યું કે, કૃષિ અને ગ્રામ્ય વિકાસમાં ૨૫ લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, પ્રસ્તાવમાં ખેડૂતોની આવકને બેવડી કરવા, આંતરાષ્ટ્રીય જગત પર વધેલી શાખ, આતંકવાદની પણ પ્રસ્તાવમાં ચર્ચા કરવામાં આવી. પશ્ચિમ બંગાળ અને કેરળમાં થયેલી રાજકીય હિંસાની પ્રસ્તાવમાં ટીકા કરવામાં આવી.

રાજનાથે કહ્યું કે, ગત ૫ વર્ષો લોકોની પાયાની જરૂરિયાતો પૂરી કરનારા હતા, હવે એનડીએએ નક્કી કર્યું છે કે, આવનારા ૫ વર્ષોમાં લોકોની આકાંક્ષાઓને પૂરી કરાશે. પીએમએ વિકાસના સંદર્ભમાં ક્ષેત્રીય અસંતુલનને દૂર કરવા પર પણ પ્રતિબદ્ઘતા વ્યકત કરી. પીએમએ કહ્યું કે, એનડીએ ભારતની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરનારૃં અલાયન્સ છે. ઉલ્લેખનીય ચે કે, એનડીએની બેઠકમાં આગામી પાંચ વર્ષોમાં વિકાસ કાર્યો પર ચર્ચા એવા સમયમાં થઈ છે, જયારે હજુ ચૂંટણીના પરિણામો આવવાના બાકી છે.

મીટિંગ પછી રામવિલાસ પાસવાને વિપક્ષ તરફથી પરિણામ પહેલા જ ચૂંટણી પર ઉઠાવાઈ રહેલા સવાલો પર કહ્યું કે, 'ટિટ ફોર ટેટ' થશે. મીટિંગમાં રામવિલાસ પાસવાને જ મોદીના પક્ષમાં પ્રસ્તાવ રાખ્યો, જેનું બધા પક્ષોએ સમર્થન કર્યું.

પાસવાને જણાવ્યું કે, પીએમએ કહ્યું કે, અમારૃં લક્ષ્ય કયારેય સત્તા મેળવવાનું નથી રહ્યું, અમારૃં લક્ષ્ય નવા ભારતનું નિર્માણ છે. અમે પાંચ વર્ષોમાં વોટના હિસાબે કોઈ નિર્ણય નથી કર્યો. તેમણે કહ્યું કે, એનડીએના બધા નેતાઓએ પોત-પોતાની રીતે પીએમનું સ્વાગત કર્યું.

(11:32 am IST)