મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિકમાં એસબીઆઇને 7718 કરોડની ખોટ

એનપીએમાં સતત વધારો :ફસાયેલ લોનને કારણે 66058 કરોડનું પ્રોવિઝનલ કરવું પડ્યું

નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) ને  નાણાકીય વર્ષ 2017-18ના અંતિમ ત્રિમાસિક ગાળામાં 7718 કરોડની ખોટ થઇ હતી એસબીઆઈ દ્વારા જાહેર કરાયેલ ત્રિમાસિક પરિણામ મુજબ બેંકને ગત નાણાંકિય વર્ષના ચોથા એટલે કે છેલ્લા ત્રિમાસિક ગાળામાં કુલ 7,718 કરોડનો નેટ લોસ (શુદ્ધ ખોટ) થયો છે.

   બેંકની નોન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) પણ નાણાંકિય વર્ષ 2016-17ના 1,77,866 કરોડ અને 9.11 ટકાથી વધીને નાણાંકિય વર્ષ 2017-18માં 2,23,427 કરોડ અને 10.91 ટકા થઈ છે. ફસાયેલી લોનોને કારણે એસબીઆઈને ગત નાણાંકિય વર્ષમાં 66,058 કરોડ રૂપિયાનું પ્રોવિઝનિંગ કરવું પડ્યું હતું. તેને નાણાંકિય વર્ષ 2016-17માં 61,266 કરોડ રૂપિયાની જોગવાઈ કરવી પડી હતી.

   એસબીઆઈએ ડિસેમ્બર-માર્ચ 2018 ત્રિમાસિકમાં થયેલી ખોટના ત્રણ મોટા કારણો જણાવ્યા. તે મુજબ, ટ્રેડિંગથી ઓછી આવક અને બોન્ડ યીલ્ડ્સ વધવાને કારણે માર્કેટ ટુ માર્કેટમાં મોટી ખોટે તેને ત્રિમાસિકમાં શુદ્ધ ખોટ તરફ ધકેલી. બેંકે કહ્યું કે, આ ત્રિમાસિકમાં એનપીએ વધવાને કારણે પ્રોવિઝનિંગ પણ વધારવું પડ્યું. સાથે જ, વેતન વૃદ્ધિ તેમજ ગ્રેજ્યુટીની મર્યાદા વધવાથી આ મામલે વધુ જોગવાઈ કરવી પડી. બેંકે જણાવ્યું કે, ગત નાણાંકિય વર્ષના ચોથા ત્રિમાસિકમાં વ્યાજથી થયેલી કમાણી 5.18 ટકા ઘટીને 19,974 કરોડ રૂપિયા પર આવી ગઈ, જે નાણાંકિય વર્ષ 2016-17ના આ ગાળામાં 21,056 કરોડ રૂપિયા હતી.

   બેંક મુજબ, તેને જુદા-જુદા ચાર્જથી નાણાંકિય વર્ષ 2016-17ના ચોથા ત્રિમાસિકમાં 7,434 કરોડ રૂપિયા કમાણી થઈ હતી, જે 2017-18ના ચોથા ત્રિમાસિકમાં વધીને 8,430 કરોડ રૂપિયા થઈ ગઈ. વાર્ષિક આધાર પર આ 13.40%ની વૃદ્ધિ છે. બેંકે જણાવ્યું કે, તેણે રાઈટ ઓફ કરાયેલી લોનમાંથી 21.18 ટકાની રિકવરી કરી છે. બેંકે કહ્યું કે, નાણાંકિય વર્ષ 2017માં 59,4661 રૂપિયાની સરખામણીમાં ગત નાણાંકિય વર્ષમાં 0.08 ટકાની વૃદ્ધિની સાથે તેને 59,511 કરોડ રૂપિયાનો ઓપરેટિંગ પ્રોફિટ કર્યો.

(8:18 pm IST)