મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

આપણે ફીટ તો ઇન્ડિયા ફીટઃ કેન્દ્રિય મંત્રી રાજ્યવર્ધન સિંહનો ફીટનેસ પ્રત્યે ઉત્‍સાહ વધારવા નવો પ્રયોગઃ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો

નવી દિલ્‍હીઃ કેન્દ્રિય મંત્રી રાજ્યવર્ધન સિંહે સોશ્યલ મીડિયા ઉપર વીડિયો શેર કરીને ફીટનેસમાં જાગૃતિ માટે અપીલ કરી છે. જેમાં બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ, બોલિવૂડ એક્ટર રિતિક રોશન અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ચેલેન્જ કરી છે. ઉલ્લેખનીય છે કે રાઠોડે ફિટનેસ પ્રત્યે ઉત્સાહ વધારવા માટે એક નવો પ્રયોગ કર્યો છે. રાઠોડે પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ દેશના લોકોને ફિટનેસ માટે અપીલ કરી રહ્યા છે.

વીડિયોની શરૂઆતમાં રાજ્યવર્ધન સિંહ પોતાની ફિટનેસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રેરણા આપે છે. તેઓ જણાવે છે કે મોદીને જોઇને મોદીને જોઇને તેમના મનમાં ફિટનેસની ભાવના જાગી છે. ત્યારબાદ વીડિયોમાં રાઠોડ પુશઅપ્સ કરતા દેખાય છે. પોતાની ઓફિસમાં જ રાઠોડે આ વીડિયો બનાવ્યો છે.

રાઠૌડે આ અભિયાનનેઆપણે ફીટ તો ઇન્ડિયા ફીટનામ આપ્યું છે. આ ઉપરાંત રાઠોડે આ ફિટનેસ અભિયાનમાં વિરાટ કોહલી, રિતિક રોશન અને સાઇના નેહવાલને ચેલેન્જ કરી છે. આ ઉપરાંત તેમણે લોકોને પણ ફિટનેસ વીડિયો અને ફોટો શેર કરવાની અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ફિટનેસને લઇને ખુબ જ જાગૃત છે. તેમણે જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પરંપરા શરૂ કરી છે. આ ઉપરાંત રાઠોડ પોતે એક ખેલાડી હતા. રાઠોડે એથેન્સ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીત્યો હતો. આવામાં રાઠોડના આ અભિયાનની વધારે અસર જોવા મળશે.

(7:38 pm IST)