મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

સ્ટર્લિંગ બાયોટેકના દિપ્તી સાંડેસરા સહિત ચાર વ્યકિત સામે બિનજામીનપાત્ર વોરંટ

નવી દિલ્હી તા. ૨૨ : રૂપિયા પાંચ હજાર કરોડના મની લોન્ડરિંગના કેસમાં ગુજરાતની એક ફાર્મા કંપનીના ડિરેકટર સહિત બે વ્યકિત સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ ઇશ્યૂ કર્યા છે. એડિશનસ સેશન્સ જજ સિદ્ઘાર્થ શર્માએ વડોદરાની સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડના ડિરેકટર દિપ્તી ચેતન સાંડેસરા માટે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કર્યા છે.

આ જ રીતે રૂ. ૫૦૦૦ કરોડના મની લોન્ડરિંગના કેસમાં કોર્ટે દિપ્તીના ભાઇ હિતેશ નરેન્દ્રભાઈ પટેલ સામે પણ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ ઇશ્યૂ કર્યું છે. કોર્ટે એવું અવલોકન કર્યું છે કે આ બંનેએ રૂ. ૫૦૦૦ કરોડના મની લોન્ડરિંગમાં મોટી ભૂમિકા ભજવી છે. ઓપન એન્ડેડ નોન બેઈલેબલ વોરંટનો અમલ કરવા માટે કોઈ જ સમય મર્યાદા નિશ્ચિત કરવામાં આવેલી હોતી નથી. ગમે ત્યારે તેનો અમલ કરી શકાય છે.

આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટવતીથી કોર્ટમાં હાજર થયેલા વકીલ નીતિશ રાણાનું કહેવું છે કે બંને આરોપીઓએ મની લોન્ડરિંગમાં મોટી ભૂમિકા ભજવી છે અને બંને દેશ છોડીને વિદેશ ચાલ્યાગયા હોવાની સંભાવના છે. આ બંનેને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ તરફથી સંખ્યાબંધ સમન્સ પાઠવવામાં આવ્યા છે. પરંતુ તેમણે એક પણ સમન્સનો જવાબ આપ્યો નથી. તેઓ હાજર ન થતાં હોવાથી આ કેસની તપાસ ટલ્લે ચઢી રહી છે. ગત નવેમ્બરમાં કોર્ટે દિપ્તીના પતિ ચેતન જયંતીલાલ સાંડેસરા અને નીતિન જયંતીલાલ સાંડેસરા બંનેના નામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ કાઢ્યા હતા. બંને આરોપીઓએ ગુનો આચર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. આ નાણાંનું પગેરું મેળવવા માટે તેમને કસ્ટડીમાં લેવા જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે તેઓ દેશ છોડીને ફરાર થઈ ગયા હોવાની દહેશત છે. દિપ્તીએ તેમની પેઢીની ક્રેડિટની સુવિધાનો ઉપયોગ દાગીનાની, કપડાંની અને બહુ જ મોંઘી ઘડિયાળોની ખરીદીના પેમેન્ટ કરવા ઉપરાંત ચોક્કસ વ્યકિતગત પેમેન્ટ્સ કરવા માટે પણ ઉપયોગ કર્યો હોવાનું જણાઈ રહ્યું છે. દિપ્તી ચેતન સાંડેસરાએ સ્ટર્લિંગ બાયોટેક ગુ્રપના ડિરેકટરની રૂએ ગુ્રપના મુખ્ય પ્રમોટરોને નાણાંની ઉચાતપત કરવામાં અને ક્રેડિટ ફેસિલિટીનો ઉપયોગ કરીને મોટી રકમ વાપરવામાં સમજી વિચારીને મદદ કરી હોવાનું જણાય છે. તેને કારણે ભારતની ઘણી બેન્કોના નાણાં સલવાયા છે. દિપ્તી સહિતના કંપનીના ડિરેકટર્સે વિદેશમાં મિલકતો મેળવી હોવાનું કહેવાય છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે અત્યાર સુધીમાં આન્ધ્રા બેન્કના ડિરેકટર અનુપ પ્રકાશ ગર્ગની ધરપકડ કરી છે.

(3:56 pm IST)