મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

પેટ્રોલના ભાવ ૯૦ રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચશે

ક્રુડ ઓઇલની કિંમત બેરલદીઠ ૮૫ સુધી જશે : ભાવ વધારાના કાબુમાં લેવાના બધા પ્રયાસો હાલ નિષ્ફળ

મુંબઇ,તા. ૨૨ : પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં રિકોર્ડ વધારો થઇ રહ્યો છે.જાણકાર લોકો કહી રહ્યા છે કે ભાવ પ્રતિ લીટર ૯૦ રૂપિયા સુધી પેટ્રોલના પહોંચી શકે છે. જો ટેક્સને યથાવત રાખવામાં આવશે તો મુંબઇમાં ભાવ પ્રતિ લીટર ૯૦ સુધી પહોંચી જશે. ક્રુડ ઓઇલના ભાવ બેરલદીઢ ૮૫ સુધી પહોંચી શકે છે. પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ગઇકાલે સોમવારે કહ્યુ હતુ કે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં જોરદાર ભડકો થઈ રહ્યો છે. આને લઈને સરકાર ગંભીર બનેલી છે. સરકાર પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં ભાવ વધારને અંકુશમાં લેવા માટે બનતા તમામ પ્રયાસ કરી રહી છે. કયા પગલાં લેવા જોઈએ તે દિશામાં પણ વિચારી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે નવી દિલ્હી અને ફાઈનાન્સિયલ હબ ગણાતા મુંબઈમાં પેટ્રોલ અને ડિઝલની કિંમત રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે. છુટક કિંમતો રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પેટ્રોલ પંપ ઉપર કિંમતો રોકેટગતિથી વધી રહી છે. ક્રુડ ઓઈલ માટે આંતરરાષ્ટ્રીય માર્કેટ પર ભારતને આધારિત રહેવાની ફરજ પડે છે. વર્ષ ૨૦૧૪ બાદથી સૌથી ઉંચી સપાટી ક્રુડ ઓઈલની થઈ ગઈ છે. ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્ષપોર્ટીંગ કન્ટ્રી દ્વારા પેટ્રોલિયમ પેદાશોમાં કાપ મુકવામાં આવ્યા બાદ સ્થિતિ વણસી રહી છે. ધર્મેન્દ્ર પ્રધાને સંબોધનમાં કહ્યું હતું કે જુદા જુદા વિકલ્પો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ટુંક સમયમાં જ પેટ્રોલિયમ પેદાશો પર અંકુશ માટે કોઈ નવી રણનીતિ તૈયાર કરવામાં આવશે. વધતી જતી કિંમતોને કાબુમાં લેવા માટે નિષ્ફળતા બદલ સરકારની ચારેબાજુ વ્યાપક ટીકા કરવામાં આવી રહી છે. રાજકીય રીતે સંવેદનશીલ ગણાતા આ મુદ્દા પર વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર પૈકીના એક એવા ભારતમાં પણ આ મુદ્દે ચિંતાજનક રીતે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. ક્રુડ ઓઈલ માટે મજબૂત વૈશ્વિક કિંમતોના જોખમના લીધે ભારતની સ્થિતિ આ કોમોડિટીને લઈને ચિંતાજનક છે. ભારત તેની તેલ જરૂરીયાતો પૈકીની ૮૦ ટકા જરૂરીયાતો આયાત મારફતે પૂર્ણ કરે છે. આવી સ્થિતિમાં ક્રુડના મહત્વને લઈને ચર્ચા ખૂબ જરૂરી બની ગઈ છે. સોમવારના દિવસે ઈન્ડસ્ટ્રી લોબી ગ્રુપ એફઆઈસીસીઆઈ દ્વારા તેલની આયાત ઉપર એક્સાઈઝ ડ્યુટીમાં તરત કાપ મુકવા માટેની માંગ કરી હતી. આ વર્ષે ઓઈલને લઈને ખર્ચનો આંકડો રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી રહ્યો છે. આ આંકડો એક ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જવાની શક્યતા છે. જે ૨૦૧૫ અને ૨૦૧૬ની સરખામણીમાં બે ગણો વધારે છે. તેલ કિંમતો ૮૦ ડોલરની સપાટી ઉપર પહોંચી ગઈ છે.  ભાવ ક્રુડના સતત વધી રહ્યા છે ત્યારે ચિંતા વધી છે.

(12:44 pm IST)