મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

માયાવતીના સત્તાવાર બંગલો હવે 'શ્રી કાંશીરામજી યાદગાર વિશ્રામ સ્થળ'

લખનૌ તા. ૨૨ : ભારતની સુપ્રીમ કોર્ટે ઉત્ત્।ર પ્રદેશના માજી મુખ્ય પ્રધાનોને પોતપોતાના સત્તાવાર આવાસો ખાલી કરવાનું જણાવ્યું હોવાથી બહુજન સમાજ પક્ષ (બીએસપી)નાં સુપ્રીમો માયાવતી નવા ઘરમાં જવાની તૈયારી કરી રહ્યા છે તેવા સંજોગોમાં સરકારી બંગલા પર ૨૧મી મેએ એક પાટિયું લટકતું હતું. તેમાં 'શ્રી કાંશીરામજી યાદગાર વિશ્રામ સ્થળ' લખ્યું છે. આ આવાસ હાલમાં તેમના તાબામાં છે.બસપના સુપ્રીમો માજી મુખ્ય પ્રધાન તરીકે હાલમાં ૧૩ એ મોલ એવન્યૂ બંગલોમાં રહે છે. હવે તેઓ ૯, મોલ એવન્યૂમાં રહેવા જશે. તેમણે આ રહેઠાણ ૨૦૧૦માં ખરીદ્યું હતું.

જોકે સોમવારે સવારે ૧૩-એ મકાનની ઘોષણા 'શ્રી કાંશીરામજી યાદગાર વિશ્રામ સ્થળ' તરીકે કરી હતી. તેમાં બસપના આદર્શ કાંસીરામની છબી પણ છે.

આ નવા પાટિયાં માટે કારણો દર્શાવતા બીએસપીના એક હોદ્દેદારે કહ્યું કે આ બંગલો બસપના સંસ્થાપક કાંશીરામ સાથે ઘણી રીતે સંકળાયેલો છે. તેમના નામે જ આ બંગલાની ફાળવણી થઈ હોવાથી ત્યાં નામનું પાટિયું ઝૂલે છે.

સુપ્રીમે ૭મી મેએ સરકારી આવાસો ખાલી કરવાના આદેશ આપ્યા હતા. તેને પગલે ઉત્તર પ્રદેશની સરકારે ૧૭મી મેએ છ માજી સીએમને સત્તાવાર બંગલા ખાલી કરવાની નોટિસ આપી છે.

(11:42 am IST)