મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

કેરળમાં નિપાહ વાયરસે વધુ પ નો ભોગ લીધો : જબરો ફફડાટ

સમગ્ર કેરળ હાઇ એલર્ટ પર : કોઝીકોડ જીલ્લો નિશાન બન્યો : કોઝીકોડની બાજુના મલાપુરમ્ જીલ્લામાં પણ પ મોત

કોઝીકોડ, તા. રર : કેરળના કોઝીકોડ જીલ્લામાં રહસ્યમયી ઘાતક વાયરસનો કહેર ચાલુ છે. કેરળના આરોગ્ય મંત્રી કે.કે. શૈલજાએ કહ્યું કે વડવાગોળથી ફેલાતા આ વાયરસે ત્રણ લોકોનો જીવ લીધો છે અને એકની સારવાર ચાલુ છે. બીજા આઠ લોકો આની અસરમાં હોય તેવી શંકા છે જેના પર ધ્યાન રખાઇ રહ્યું છે. જોકે બીન સરકારી સુત્રો પ્રમાણે આ બીમારીથી અત્યાર સુધીમાં ૧૬ લોકો મોતને ભેટયા છે અને રપ થી વધુ પર નજર રખાઇ રહી છે.

મંત્રી શૈલજાએ કહ્યું કે છેલ્લા પખવાડીયામાં એક જ પરિવારના ત્રણ વ્યકિતમાં આ વાયરસ જણાયો હતો અને સોમવારે સવારે એ ત્રણેનું મોત થયું હતું તેના પિતાની હાલમાં સારવાર ચાલુ છે તેમના ઘરના કુવામાં એક વડવાગોળ મળી આવેલ. હવે તે કુવો બંધ કરી દેવાયો છે. વડવાગોળજ આ વાયરસનો વાહક હોય છે જેના લીધે માણસ અને પશુઓમાં ગંભીર બીમારી થાય છે.  ત્રણે અસરગ્રસ્ત લોકોની સારવાર કરનાર નર્સ બીનીમાં પણ વાયરસ હોવાની શંકા છે.

સુત્રો પ્રમાણે બાજુમાં મલાપુરમ જીલ્લામાં પણ સખત તાવ અને આ વાયરસ જેવા લક્ષણોને કારણે પાંચ મોત થયેલ છે. આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે આ મોત નિપાહ વાયરસથી કોઝીકોડ જીલ્લાના જ શ્રમ મંત્રી ટી.પી. રામકૃષ્ણને અધિકારીઓ સાથે ચર્ચા કરીને કહ્યું કે વાયરસના આક્રમણને રોકવા સરકારે બધા જ જરૂરી પગલા લીધા છે. વાયરસથી ગભરાવાની જરૂર નથી કારણ કે તેનાથી અસરગ્રસ્ત લોકોના સંપર્કમાં આવવાથી જ તેની અસર થાય છે.

પહેલી વાર આ વાયરસની ઝપટમાં આવેલ કેરળ રાજયને હાઇ અલેર્ટ પર રખાયું છે અને બે કન્ટ્રોલરૂમ પણ ખોલવામાં આવ્યા છે. પરિસ્થિતિ પર નજર રાખવા એનસીડીની ઉચ્ચ સ્તરીય ટીમ પણ ત્યાં પહોંચી ચૂકી છે.

દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની યાદી તૈયાર કરીને તેમને સાવધાની માટે એકાંતમાં રખાયા છે. મેડીકલ કોલેજમાં તેના માટે એક અલગ વોર્ડ બનાવવાનું કહેવાયું છે. આ વાયરસના લક્ષણોવાળા દર્દીઓને મેડીકલ કોલેજમાં લાવવાનું કહેવાયું છે.

નિપાહ વાયરસ કોણ છે ?

માણસ અને જાનવરોમાં ફેલાતો આ નવો રોગ છે. ૧૯૯૮માં મલેશીયાના કામપુંગ સુનગેઇ નિપાહમાં સૌથી પહેલી વાર આ વાયરસની ઓળખ થઇ, તે સમયે સુવરોને તેનો વાહક કહેવામાં આવ્યો જોકે તે પછી આ વાયરસના ફેલાવા માટે કોઇ વાહક મળ્યો નહોતો. બાંગ્લાદેશમાં ર૦૦૪માં આ વાયરસ ફેલાયેલો ત્યારે તેનું કારણ વડવાગોળ દ્વારા ખવાયેલ ફળનું સેવન કરવું બતાયેલ. ભારતમાં આ વાયરસ ર૦૦૧ના જાન્યુઆરીમાં પશ્ચિમ બંગાળના સીલીગુડીમાં ફેલાયો હતો. જયારે એપ્રિલ ર૦૦૭માં તે પશ્ચિમ બંગાળના નાદીયા સુધી પહોંચ્યો હતો.

વાયરસના લક્ષણો

વાયરસથી પ્રભાવિત વ્યકિતને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. સખત તાવ, મગજમાં બળતરા, આળસ આવવી, ભૂલી જવું જેવા અનુભવ થાય છે. સમયસર સારવાર ન મળવાથી દર્દીનું મોત થાય છે. દર્દીનો ઇલાજ આઇ.સી.યુ.માં કરવામાં આવે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડોકટરોની ઉચ્ચ સ્તરીય ટીમ બનાવીને કેરળ મોકલી આપેલ છે. વડવાગોળથી આ વાઇરસ ફેલાવાની આશંકા છે. ટીમમાં પશુપાલન વિભાગ, રાષ્ટ્રીય રોગ પ્રતિરક્ષા સંસ્થાન અને ભારતીય ચિકિત્સા શોધ પરિષદના અધિકારીઓને પણ સામેલ કરાયા છે.(૮.૭)

(11:22 am IST)