મુખ્ય સમાચાર
News of Thursday, 22nd April 2021

ક્વેટાની હોટલના પાર્કિંગમાં વિસ્ફોટથી ૪ મોત, ૧૩ ઘાયલ

હોટલમાં ચીની રાજદૂત પ્રતિનિધિ મંડળ સાથે રોકાયા હતા : વરિષ્ઠ પોલીસ અધિકારીએ પ્રારંભિક તપાસમાં એક વાહનમાં આઈઈડી લગાવવામાં આવ્યા હોવાનો દાવો કર્યો

નવી દિલ્હી, તા. ૨૨ : બલુચિસ્તાનની રાજધાની ક્વેટાની એક હોટેલના પાર્કિંગમાં થયેલા વિસ્ફોટમાં ૪ લોકોના મોત થયા છે અને ૧૩ લોકોને ઈજાઓ પહોંચી છે. જાણવા મળ્યા મુજબ ક્વેટા ખાતે આવેલી એક લક્ઝરી હોટેલમાં ચીની રાજદૂત પોતાના પ્રતિનિધિ મંડળ સાથે રોકાયેલા હતા. તે સમયે હોટેલના પાર્કિંગમાં એક બાદ એક વિસ્ફોટો થવા લાગ્યા હતા.

પાકિસ્તાનના ગૃહ મંત્રી શેખ રાશિદ અહમદે ઓછામાં ઓછા ૪ લોકો માર્યા ગયા હોવાની અને અન્ય ૧૨ લોકોને ઈજાઓ પહોંચી હોવાની પૃષ્ટિ કરી હતી. જો કે, વિસ્ફોટ થયો તે સમયે ચીની રાજદૂત બહાર હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીએ પ્રારંભિક તપાસમાં એક વાહનમાં આઈઈડી લગાવવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો.  પોલીસે બે લોકો ગંભીર રીતે ઘાયલ હોવાની અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલુ હોવાની માહિતી આપી હતી. સાથે જ બુધવારે રાતના સમયે વિસ્ફોટ થયા બાદ હોટેલ પરિસરને બંધ કરી દેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. વિસ્ફોટની આ ઘટના બાદ આતંકવાદ વિરોધી વિભાગને ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યો છે.

(8:04 pm IST)