મુખ્ય સમાચાર
News of Thursday, 22nd April 2021

કોરોના વાયરસથી હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોકનું પણ જોખમ

હોમ આઈસોલેશનમાં રહેતા ૨૦-૩૦ ટકા દર્દીઓમાં ડી-ડાઈમરનું પ્રમાણ વધતું હોવાનું જણાયું

નવી દિલ્હી, તા.૨૨: કોરોના વાયરસથી દર્દીના ફેફસા પર વિપરીત અસર પડી રહી છે તેની સાથે જ વાયરસ શરીરમાં ઉથલપાથલ મચાવી રહ્યો છે. કોરોના વાયરસ લોહીને જાડું કરી નાંખે છે. કોરોના સંક્રમિત દર્દીઓમાં ડી-ડાઈમર પ્રોટીન ઝડપથી વધી રહ્યું છે જેને પગલે બ્લડ કલોટિંગની સમસ્યા પણ વધી રહી છે. લોહીના ગઠ્ઠા જામવાથી તે દર્દી માટે હાર્ટ એટેકનું કારણ પણ બની રહ્યા છે. આ સમસ્યાથી બ્રેઈન સ્ટ્રોક આવવાનું પણ જોખમ વધી જાય છે તેમજ દર્દીના ફેફસાની ધમનીઓમાં વિક્ષેપ સહિત કેટલીક અન્ય સમસ્યા પણ સર્જી શકે છે. ચિંતાજનક બાબત એ છે કે કોરોના સંક્રમિત દર્દીઓ ઉપરાંત સંક્રમણથી સાજા થયેલા દર્દીઓમાં પણ ડી-ડાઈમર વધ્યું હોવાનું જણાયું છે. 

ફેફસા બાદ શરીરમાં લોહીના પ્રવાહને પણ કોરોના પ્રભાવિત કરતો હોવાના સંખ્યાબંધ કેસો સામે આવ્યા છે. કોરોના સંક્રમિત અને હોમ આઈસોલેશનમાં રહેતા અનેક લોકો આ વાતથી અજાણ હોય છે અને તેઓ બ્લડ ટેસ્ટ નથી કરાવતા. આવા કિસ્સામાં કોરોના નેગેટિવ થયા બાદ પણ તેમનું ઓકિસજન લેવલ ઘટી શકે છે.

નિષ્ણાત ડોકટર્સના મતે મોટાભાગના લોકો કોરોના સંક્રમણમાંથી બહાર આવ્યા બાદ એવું માની લે છે કે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. કોરોના વાયરસ શરીરમાં ગંભીર અસર છોડી જાય છે. તેનાથી લોહી જાડું થઈ જાય છે. લોહીના ગઠ્ઠા જામી જાય છે જેનાથી હૃદયરોગનો હુમલો, લકવો, ફેફસાની નસોમાં અવરોધ સહિતની અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે. બ્લડ કલોટિંગની જાણ લોહીમાં ડી-ડાઈમર નામના પ્રોટીનમાં વધારો થવાથી થઈ શકે છે.

પ્રાપ્ત વિગતો મુજબ કોરોનાથી ગંભીરરૂપે સંક્રમિત થયેલા લોકો પૈકી ૨૦ થી ૩૦ ટકા દર્દીઓમાં સ્વસ્થ થયા બાદ પણ ડી-ડાઈમર પ્રોટીનનું પ્રમાણ પાંચ ગણું વધતું હોવાનું જણાય છે. હોમ આઈસોલેશનમાં રહેતા ૩૦ ટકા સંક્રમિત દર્દીઓમાં આવું જોવા મળ્યું છે. એક ડોકટરે જણાવ્યું કે ઓપીડીમાં રોજ આવા એકથી બે દર્દીઓ આવી રહ્યા છે.

(4:15 pm IST)