મુખ્ય સમાચાર
News of Thursday, 22nd April 2021

રસીનો પહેલો ડોઝ લીધા પછી ૨૧૦૦૦થી વધુ લોકો પોઝિટિવ

નવી દિલ્હી, તા.૨૨: કોવિડ-૧૯ સામે રક્ષણ માટે કોવિશિલ્ડ કે કોવેકિસનનો પ્રથમ ડોઝ લીધા બાદ લગભગ ૨૧,૦૦૦ કરતાં વધુ લોકો કોરોના પોઝિટિવ જાહેર થયા હતા જયારે કે ૫૫૦૦ કરતાં વધુ લોકોમાં ઇન્જેકશનનો બીજો ડોઝ લીધા બાદ કોવિડ-૧૯નો ચેપ લાગ્યાનું જાહેર થયાનું કેન્દ્રએ ગઈ કાલે જણાવ્યું હતું.

એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં આઇસીએમઆરના ડિરેકટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યું હતું કે કોવેકિસનનો બીજો ડોઝ લેનારા ૧૭,૩૭,૧૭૮ લોકોમાંથી ૦.૦૪ ટકા જયારે કે કોવિશિલ્ડનો બીજો ડોઝ લેનારા ૧,૫૨,૩૨,૭૫૪ લોકોમાંથી ૦.૦૩ ટકા લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો.

બલરામ ભાર્ગવે કહ્યું હતું કે વેકિસનને કારણે ચેપ લાગવાનું જોખમ દ્યટ્યું હતું તેમ જ મૃત્યુ અને ગંભીર ચેપની સંભાવના પણ ઘટી છે. જોકે આ આંકડો એટલો ચિંતાજનક નથી. વધુમાં અત્યંત ટ્રાન્સમિસેબલ સેકન્ડ વેવ પણ ટકાવારીમાં ઘણું ઓછું યોગદાન આપે છે જે શૂન્ય ટકા પણ હોઈ શકે. દેશમાં ઓકિસજનની અછત વચ્ચે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે દેશમાં પ્રતિદિન ૭૫૦૦ મેટ્રિક ટન ઓકિસજનનું ઉત્પાદન થાય છે, જયારે  દૈનિક ૬૬૦૦ મેટ્રિક ટન રાજયોને સપ્લાય કરવામાં આવે છે.

(4:13 pm IST)